જસદણના કાનપર ગામે બનેલી જઘન્ય ઘટનામાં માત્ર 43 દિવસમાં ઐતિહાસિક ચૂકાદો, બાળકીને 7 લાખ વળતર ચૂકવવા પણ આદેશ
જસદણ તાલુકાના કાનપર ગામની સીમમાં શ્રમિક પરિવારની સાત વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ આચરી ગુપ્તાંગમાં સળીયો ભોંકી અમાનુષી કૃત્ય આચરનાર આરોપીને રાજકોટની સ્પેશિયયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી ભોગ બનનાર બાળકીને રૂા.7 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.
દેશભરમાં ભારતીય ન્યાય સંહીતાનો અમલ થયા બાદ રાજકોટમાં નવા કાયદા મુજબ ફાંસીની આ પ્રથમ સજા સંભળાવાઇ છે. સ્પેશીયલ કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.
કાનપર ગામે ગત તા.4 ડિસેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં પોલીસે ચાર દિવસમાં જ આરોપીને ઝડપી લીધો હતો અને 11 દિવસમાં જ ચાર્જશીટ રજુ કર્યું હતું. જયારે 33 દિવસમાં સમગ્ર કેસનું ટ્રાયલ પુર્ણ કરી સ્પેશીયલ કોર્ટે આરોપીને દોષિત જાહેર કરી દીધો હતો અને આજે 44માં દિવસે ચુકાદો આપ્યો હતો. રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટના ઇતિહાસમાં આટલો ઝડપી ચુકાદો પ્રથમ વખત આવ્યો છે.
જસદણના કાનપર ગામે વાડીમાં દાહોદ પંથકનો શ્રમિક પરિવાર ખેતર ભાગીયે રાખી ખેત મજૂરી કરે છે. ગત તા.04-12-2025 ના રોજ શ્રમિક પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો. ત્યારે પરિવારની છ વર્ષ આઠ માસની બાળકી વાડીમાં જ રમી રહી હતી. ત્યારે અજાણ્યા શખ્સે ધસી આવી બાળકીનું મોઢું દબાવી હેવાને અમાનુષી અને ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો. હેવાને હવસનો શિકાર બનાવ્યા બાદ ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાવી દેતા બાળકી લોહીલુહાણ થઇ ગઈ હતી.
બાદમાં નરાધમ બાળકીને ત્યાં જ મૂકી નાસી ગયો હતો. પરિવારે બાળકીની શોધખોળ શરૂૂ કરતા તેણી ત્યાં નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવતા બાળકીને સારવાર અર્થે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આટકોટ પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બાળકી ઉપર અમાનુષી અત્યાચાર ગુજારનાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જસદણના કાનપર ગામની સીમમાં રહેતા રામસિંગ તેરસીંગ ડવેજરની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં નરાધમે કબૂલાત આપી હતી કે, પોતે પીડિત બાળકીનો પરિવાર જે વાડીમાં મજૂરી કરે છે તેની બાજુની વાડીમાં જ પોતે પણ મજૂરી કરે છે.
અહીંથી નીકળતા માસુમ બાળકી ખેતરમાં જ રમતી હતી. જેથી નરાધમની દાનત બગડી હતી. બાળકીને ઉઠાવી નજીકમાં જ પાણીની ટાંકી પાસે લઇ ગયો હતો અને દુષ્કર્મ ગુજારવાની કોશિશ કરી હતી. તેમાં નિષ્ફળ જતાં ઉશ્કેરાયેલા શખ્સે બાજુમાં જ પડેલ લોખંડનો એક ફૂટનો સળીયો બાળકીના ગુપ્તાંગમાં ઘુસાવી લોહીલુહાણ કરી ત્યાં જ બાળકીને મૂકી નાશી ગયો હતો. બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી. બાળકીના પિતાએ અદાલતમાં વિસ્તૃત પત્ર લખી બાળકીની આ હાલત કરનાર આરોપી સામે તાત્કાલીક કેસ ચલાવી સખ્ત સજાની માંગ કરી હતી. બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈને કોર્ટે કેસ રોજબરોજ ચલાવવાનો હુકમ કરી 6 દિવસમાં પુરાવો નોંધવાનુ કાર્ય પૂર્ણ કર્યું હતું.
બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષ દ્વારા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો, પુરાવાઓ અને ટાંકેલા વિવિધ ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સ્પે. કોર્ટના જજ વી. એ. રાણાએ 7 વર્ષની બાળકી ઉપર બનેલ દુષ્કર્મના કેસમા 34 મા દિવસે આરોપી રેમસીગ તેરસીગને તકસીરવાન ઠેરવ્યો હતો. જ્યારે સજાના હુકમ માટે મુદત પડી હતી. આજે ઉઘડતી કોર્ટે રાણાએ 7 વર્ષની બાળકી ઉપર બનેલ દુષ્કર્મના કેસમા આરોપી રેમસીગ તેરસીગને ફાંસીની સજા અને ભોગ બનનાર બાળકીને રૂૂ.7 લાખનું વળતર વિકટીમ કમ્પેન્સેશન એક્ટ અન્વયે આપવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા અને મદદગારીમાં એ.પી.પી. પ્રશાંતભાઈ પટેલ રોકાયા હતા. કાનપર ગામે માસુમ બાળકી ઉપર અમાનુષી કૃત્ય કરનાર સામે પોલીસે પોકસો એક્ટ અને દુષ્કર્મનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ આરોપીને લઈને બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં રીક્ધસ્ટ્રક્શન દરમિયાન આરોપીએ પોલીસ કર્મીઓ ઉપર ધારીયા વડે હુમલો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે નરાધમના બંને પગમાં ગોળી ધરબી દીધી હતી. આરોપીને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને પોલીસ ઉપર હુમલો કરવા બદલ હત્યા પ્રયાસનો અલગથી ગુનો નોંધાયો હતો.
