ગુજરાત
એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ’ બન્યું ‘બરડા વન્યજીવ અભયારણ્ય’
ધનતેરસના પર્વે બરડા પંથકને જંગલ સફારીની ભેટ
ધનતેરસના પાવન દિને મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવીન નજરાણા સમાન 'એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ' એટલે કે 'બરડા વન્યજીવ અભયારણ્ય' ખાતે બરડા જંગલ સફારી' ફેઝ-1 નો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા વિગેરેના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતુ કે, જંગલ સફારી રૂપે બરડા વિસ્તારને દિવાળી ખૂબ જ મોટી ભેટ મળી છે. જંગલ સફારી તો માત્ર શરૂઆત છે રાજ્ય સરકાર દ્વારા આવનારા સમયમાં બરડા વિસ્તારમાં અનેકવિધ વિકાસના કામો થનારા છે. 143 વર્ષ બાદ કુદરતી રીતે વિચરતા સિંહો બરડામાં પરત આવતા જતા બરડો એશીયાઇ સિંહોનું બીજું રહેઠાણ બન્યો છે. જે સૌ માટે ગૌરવની ક્ષણ છે. હાલ દિવાળીનો પર્વ મંગલ કાર્યો કરવા માટે શુભ સમય છે, ત્યારે બરડામાં જંગલ સફારી પ્રારંભ પણ તેનો ભાગ છે. જેમ પ્રવાસીઓ સાસણ ગીરમાં એશિયાઈ સિંહો નિહાળવા માટે આવે છે તેમ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરડામાં પણ આવશે. સાસણ ગીર, પોરબંદર નજીક મોકર સાગર વેટલેન્ડ , પોરબંદર પક્ષી અભયારણ્ય , માધવપુરનો રમણીય બીચ, શિવરાજપુર બીચ, સોમનાથ તથા દ્વારકા મંદિર ખાતે મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ હવે બરડામાં પણ આવશે. જેના પરિણામે બરડો પંથક પ્રવાસન ક્ષેત્રે અગ્ર હરોળમાં સ્થાન મેળવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઘણા સમય પૂર્વે બરડા ડુંગર વિસ્તારમાં બનાવેલા ચેક ડેમો વર્ષાઋતુમાં જળ સંચય પરિણામે વન્યજીવો માટે ખૂબ જ ઉપયોગી બન્યા છે. બરડો એ માત્ર વન્યજીવો નિવાસ નહિ પરંતુ અદ્વિતિય ઔષધિઓ માટે પણ જાણીતો છે. પર્યાવરણ જતન અને સંવર્ધન માટે વન વિભાગ સતત પ્રયત્નશીલ રહે છે. જેના પરિણામે વન્ય જીવસૃષ્ટિનું સંરક્ષણ શક્યા બન્યું છે. બરડા સહિતના વિસ્તારમાં માલધારીઓ બહોળી સંખ્યામાં નિવાસ કરે છે. જંગલ સફારી પ્રારંભ થતાં માલધારીઓ માટે રોજગારીની અનેક તકો નિર્માણ થશે તેમજ પ્રવાસીઓને પણ ગ્રામીણ સંસ્કૃતિ તેમજ પ્રકૃતિ નજીકથી જાણવાનો એક લહાવો પ્રાપ્ત થશે. એશિયાટિક સિંહોના બરડામા વસવાટ થતા બરડા પંથકની પ્રજામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મારો સૌ નાગરિકોને અનુરોધ છે કે વન તથા વન્યજીવો સંરક્ષણ માટે આપણે સૌ સાથે મળી સહકાર આપીએ. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ આયોજનમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જો આપણે જંગલો રક્ષણ કરીશું તો જ વન્યજીવ સૃષ્ટિનું રક્ષણ થશે. ગીર વન્યજીવ અભ્યારણ્ય બાદ હવે બરડામાં પણ સિંહો હાજરીથી પ્રવાસીઓને નવું નજરાણું પ્રાપ્ત થયું છે. વન્યજીવો સંરક્ષણ અને પર્યાવરણ જતન કરવાની નૈતિક જવાબદારી આપણા સૌની છે.
અગ્ર મુખ્ય વનસંરક્ષક અને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવે ઉપસ્થિતોને આવકારીને જણાવ્યું હતું કે, બરડા અભયારણ્ય બન્યું ત્યારથી આ સ્થળ 'સિંહોનું બીજું ઘર' બને તે વિઝન સેવવામાં આવ્યું હતું, જે આજે સાકાર થવા જઈ રહ્યું છે. અહીં અનેક સિંહો નિવાસ કરી રહ્યાં છે. સિંહોને અનુકૂળ વાતાવરણ બનાવીને તેમજ તેમના ખોરાક રૂપ હરણ, સાંભર વગેરેનું પણ સંવર્ધન કરીને આ શક્ય બન્યું છે. આ સફારી કાર્યરત થતાં સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થશે અને આ અંતરિયાળ વિસ્તારના વિકાસનો માર્ગ મોકળો બનશે.
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સહિત આગેવાનોના હસ્તે બરડા જંગલ સફારી ફેઝ - 1 નું લોકાર્પણ , રાણાવાવ રેન્જ ઓફિસનું ઇ-લોકાર્પણ કરાયું હતું. ઉપરાંત, સિંહ સંરક્ષણ માટે વેટરનરી ટીમને રેસક્યુ વાહન લોકાર્પણ તથા સાસણ તેમજ પોરબંદર વેટરનરી અને ટ્રેકર ટીમને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે માલધારી સમાજના યુવાનો દ્વારા વિખ્યાત મણિયારો રાસ રજૂ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ બરડા જંગલ સફારી તથા કિલેશ્વર નેચર એજ્યુકેશન કેમ્પ વિશેની દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી. આ સાથે જંગલ સફારી વિશે વિસ્તૃત માહિતી દર્શાવતી બુકલેટ તથા બ્રોશરનું વિમોચન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર અને ટેકરીઓથી સુસજ્જિત ભૌગોલિક રચના આશરે 215 ચોરસ કિ.મીનો વિસ્તાર પૈકી 192.31 ચોરસ કિ.મી. વિસ્તારને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ હેઠળ સત્તાવાર રીતે વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લાઓમાં ફેલાયેલો છે.
બરડા જંગલ સફારીમાં ભાણવડ - રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો અકલ્પનીય અનુભવ થશે. આ સફારી ટ્રેઇલ કીલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થઈ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ વનસ્પતિ સૃષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણીસૃષ્ટિ નિહાળી શકાશે. સફારી પરમિટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. આગામી સમયમાં આ પરમિટ માટે ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે, જેથી પ્રવાસીઓ વધુ સરળતાથી અને આગોતરું આયોજન કરી શકશે.
કાર્યકમમાં મહાનુભાવોનું સ્વાગત પ્રવચન પોરબંદર નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ તથા આભારવિધિ આર.એફ.ઓ. એસ.આર.ભમ્મર દ્વારા કરવામાં આવી હતી. બરડા જંગલ સફારી ફેઝ - 1 ના લોકાર્પણ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, પોરબંદર કલેકટર એસ.ડી. ધાનાણી, પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, અહીંના ઈ.ચા. જિલ્લા વિકાસ અધિકારી ભૂપેશ જોટાણીયા, નાયબ વન સંરક્ષક ધનપાલ, અરુણકુમાર, પી.એસ. જાડેજા, પાલાભાઈ કરમુર, પ્રતાપ પિંડારિયા વિગેરે સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
- બરડા વન્યજીવ અભયારણ્યની વિશેષતાઓ – આ અભયારણ્યમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ, વન્યજીવ તેમજ રંગબેરંગી સ્થાનિક અને યાયાવર પક્ષીઓને વિચરણ માટે જૂનું અને જાણીતું સ્થળ છે અને એની નોંધ સમગ્ર વિશ્વ એ લીધી છે. બરડા વન્યજીવ અભયારણ્યનું વૈવિધ્યસભર નિવાસન તંત્ર 368 વનસ્પતિ પ્રજાતિઓને આશ્રય આપે છે, જેમાં 59 વૃક્ષો, 83 છોડ, 200 ક્ષુપ અને 26 વેલાઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જ્યારે વનસ્પતિની 368 પ્રજાતિઓમાં, ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ 54 ટકા છે. ત્યારબાદ 23 ટકા છોડ, વૃક્ષો 16 ટકા અને વેલાઓ 9 ટકાનો સમાવેશ થાય છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓમાંની એક છે.
- બરડા અભયારણ્યમાં જોવા મળતા પશુ- પક્ષીઓ –
લગભગ 14 દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે. ઉપરાંત આ અભયારણ્યમાં કુલ 22 સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે. જેમાં સિંહ સિવાય દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય હરણ, સાબર, ચિત્તલ,નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનું પણ વસવાટ કરે છે. આ અભયારણ્યમાં પક્ષીઓની 269 પ્રજાતિઓનો સમાવેશ થાય છે, જે સૌ નાગરિકો માટે ગૌરવ સમાન છે. જેમાં મોર, તેતર, દૂધરાજ, પીળીચાંચ ઢોંક, બુલબુલ, ચાશ, દેશી નીલકંઠ, શ્વેત કંઠ કલકલિયો જેવા પક્ષીઓ વિચરણ કરતા જોવા મળે છે.
- બરડા અભયારણ્યની મુલાકાત માટેનો ઉત્તમ સમય –
આ અભયારણ્યની પ્રવાસીઓ સવારે 6 થી સાંજે 4 વાગે સુધી મુલાકાત લઈ શકે છે. સાથે જ શિયાળામાં તા. 16 ઓક્ટોબરથી ફેબ્રુઆરી અને ઉનાળામાં તા. 1 માર્ચ થી 15 જૂન સુધી ચાલુ હોય છે. આ ઉપરાંત દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન બરડા જંગલ સફારી બંધ રહે છે.
- પ્રવાસીઓ માટે નજીકના મુખ્ય પ્રવાસન આકર્ષણો – બરડા વન્યજીવ અભયારણ્ય નવલખા મંદિર, મોડપર કિલ્લો, જાંબુવન ગુફા, સુદામા, કીર્તિ, પ્રસિદ્ધ નાગેશ્વર તેમજ દ્વારકાધીશ મંદિર જેવા વિશ્વ પ્રખ્યાત સ્થળો આવેલા છે.
ગુજરાત
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રઘુવીર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર અક્ષિત શૈલેષભાઈ શિંગડિયા આજે સવારે રમતો હતો ત્યારે રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં ડૂબી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા આવેલ દરખાસ્તોની ચર્ચાને સંકલનની કામગીરી શરૂ થયે તે દરમિયાન નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંકલન વેળાએ હાજરી આપતા તેમને તમામ સભ્યોએ આવકારી વેલકમ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય કેળવી સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હોવાનું અને અમુક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટીનીબેઠકમાં આજે શાસકપક્ષના સભ્યો દ્વારા સંકલનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા દરમિયાન નવા કમિશનર તુષાર સુમેરાને પણ વેલકમ કરવામાં આવેલ અને સાથે બેસી સંકલન કરવામાં આવ્યું હતું. સંકલન દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, આ પ્રકારની વ્યવસ્થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે.
જેને સારો પ્રતિસાદ સાપડ્યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ નિમય રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે તેમજ દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે. આજની સંકલન સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા અનેક નવા નિયમો અમલમાં મુકવા માટે શાસકપક્ષના સભ્યો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે.
ભાજપ સંકલનમાં કમિશનરનું વેલકમ કર્યા બાદ તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્ર્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શખે અને પ્રોજેક્ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા માટે મ્યુનિસિપલક મિશનરે જણાવેલ કે, કોર્પોરેટરો તમામ કામનું ફોલોઅપ જાણી શકે તે માટે તેમજ દરેક કોર્પોરેટર સાથે કનેક્ટ રહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવી જ રીતે મોબાઈલ એપ લીંકથી સોફ્ટવેર મારફત ભાજપના કોર્પોરેટર સાથે સંકલમાં રહી તમામ પ્રકારની સારામા સારી કામગીરી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી પ્રથમ બે દિવસ અધિકારીઓ સાથે પરિચય અને કામ અંગેની માહિતી મેળવી રિવ્યુ મીટીંગો યોજી હતી તેમજ હાલના ચાલુ પ્રોજેક્ટો અને આગામી દિવસોમાં શરૂ થનાર નવા પ્રોજેક્ટો સહિતના કામોની વિગત અધિકારીઓ પાસેથી મેળવી હોવાનું જાણવા મળેલ છે. આજે કમિશનરને ચાર્જ સંભાળ્યાને બે દિવસ થયા છે. ત્યારે જ તેઓએ આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી કોર્પોરેટરો અને ચેરમેન સાથે પરિચય કેળવી સાથે મળીને પ્રજાલક્ષી કામો કરવા માટેની તૈયારી દર્શાવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીમાં 7.97 લાખના ખર્ચને બહાલી
મનપાના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ 9 દરખાસ્તો પૈકી સાત દરખાસ્ત કર્મચારીઓને બિમારી સબબ સારવાર ખર્ચ પેટે આર્થિક તબીબી સહાયની રજૂ કરવામાં આવેલ જે તમામ સર્વાનુમતે મંજુર કરાઈ હતી. અને રૂા. 7,81,144 નો ખર્ચ મંજુર કરી અને મેયર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વદારાનો રૂા. 16,200નો ખર્ચની મંજુરી સાથે કુલ રૂા. 7,97,344 મંજુર કરવામાં આવ્યા હતાં.
ગુજરાત
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ
રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી જવા પામી છે અને આગને કાબુમાં લેવા માટે મેેટોડા ઉપરાંત રાજકોટ, કાલાવડ, જામનગર સહિતના સ્થળોએથી ફાયર બ્રિગેડનો કાફલો બોલાવી મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે. ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે. પરંતુ મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ નમકીનમાં ભયાનક આગ ફાટી નિકળી છે અને આ આગ ઓઈલ ટેન્કો સુધી પહોંચે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ મેળવવામાં આવી રહી છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડીરહ્યા છે. મેટોડામાં ગોપાલ નમકીનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી માત્ર ફાયર બ્રિગેડને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આગના ધુમાડાના ગોટા એક કિલો મીટર વિસ્તારમાં પ્રસરી જતાં ચોતરફ ધુમાડો દેખાઈ રહ્યો છે અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
-
ગુજરાત1 day ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત1 day ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત1 day ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત1 day ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત1 day ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત1 day ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત1 day ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ
-
ગુજરાત1 day ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ