કેટલાક ઉદ્યોગપતિઓને શિકાર બનાવ્યાનો ઘટસ્ફોટ
ગુજરાત સહીત સમગ્ર દેશમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ફસાવવાની અનેક ઘટનાઓ વચ્ચે વધુ આવી જ એક ઘટના કચ્છમાંથી બહાર આવી છે. આ વખતે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ એટલે કે ઇડીની નકલી ટીમ બનાવીને મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને લૂંટી લેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. પૂર્વ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે અત્યાર સુધીમાં આઠથી વધુ લોકોને ઝડપી લીધા હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. ભુજ, અમદાવાદ ઉપરાંત રાજ્યના જુદા જુદા વિસ્તારમાંથી નકલી ઇડીના અધિકારીઓ બનીને ફરતા લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર વિગતો બહાર પાડવામાં આવી નથી, પરંતુ સૂત્રોનો દાવો છે કે, ઇડીના નકલી ઓફિસર બનીને આ ફ્રોડ લોકોએ ગાંધીધામ તેમજ આસપાસના વિસ્તારના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવ્યા છે.
નકલી પીએમઓના અધિકારી, જજ, વકીલ,પોલીસ, ટીચર, આચાર્ય વગેરે જેવી ઘટનાઓ બાદ આખી નકલી ઇડી કાર્યરત હોવાનું પૂર્વ કચ્છ પોલીસના ધ્યાનમાં આવતા તેમાં સંડોવાયેલા અમદાવાદના બે વ્યક્તિ, ભુજમાંથી એક તેમજ અન્ય જગ્યાએથી કુલ મળીને આઠથી વધુ લોકોને ઉપાડવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જો કે, સ્થાનિક પોલીસ આ મામલે મૌન સેવી રહી છે.
પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.ચુડાસમાએ તે તપાસ ચાલુ હોવાનું આજે સાંજે સત્તાવાર હકીકતો આપવામાં આવશેથ તેવું જણાવ્યું હતું. ઇડીના નકલી અધિકારી બનીને ફરતા લોકોમાં પોલીસે ભુજમાંથી એક વ્યક્તિને ઉઠાવ્યો છે.