અકસ્માતે એક પગ છીનવ્યો પણ સોશિયલ મીડિયાએ આપી નવી ઓળખ અને આવક

નેહા ભટ્ટે અકસ્માત બાદ શરૂૂ કરેલ ટી સ્ટોલ પર આબાલ-વૃદ્ધ સૌ કોઈ તેમની ચાનો સ્વાદ લેવા આવતા અને બદલામાં હિંમત અને પ્રોત્સાહન પૂરું પાડતા શોલ્ડરમાં…

નેહા ભટ્ટે અકસ્માત બાદ શરૂૂ કરેલ ટી સ્ટોલ પર આબાલ-વૃદ્ધ સૌ કોઈ તેમની ચાનો સ્વાદ લેવા આવતા અને બદલામાં હિંમત અને પ્રોત્સાહન પૂરું પાડતા

શોલ્ડરમાં ક્રેક, હાથ-પગમાં 50થી 60 ટાંકા, માથામાં ચાર ટાંકા તથા ફેસમાં 25 ટાંકા અને એક પગ 80% ગુમાવ્યો છતાં હિમ્મત ન ગુમાવી એમ્પ્યુટી નેહાએ

ગુજરાતમાં જાહેર માર્ગ પર અનેક અકસ્માતો થાય છે, લોકો ઘાયલ થાય છે પરંતુ આપણે તેને એક સમાચાર સમજીને ભૂલી જઈએ છીએ. આવા અકસ્માતો લોકોની જિંદગી બદલાવી નાખતા હોય છે.અનેક વખત લોકો હાથ,પગ, શરીરના મહત્ત્વના અંગો ગુમાવે છે ત્યારે જીવન જીવવું અકારું થઈ જતું હોય છે. એક સામાન્ય હસતી ખેલતી જિંદગી સંઘર્ષમય થઈ જતી હોય છે.અકસ્માતમાં આ જ રીતે એક પગ ગુમાવી સંઘર્ષમય જિંદગીનો સામનો કરીને સફળતા મેળવનાર યુવતીની વાત આજે ઉડાનમાં કરવી છે. અકસ્માતમાં એક પગ ગુમાવ્યો પરંતુ એક અલગ ઓળખાણ મેળવી મીડીયા અને સોશિયલ મીડિયામાં જાણીતો ચહેરો બનનાર એમ્પ્યુટી નેહાની વાત આજે કરવી છે.


નેહા ભટ્ટનો જન્મ મહુવામાં થયો અને 12 ધોરણ સુધી મહુવામાં જ અભ્યાસ કર્યો.પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે અભ્યાસ બાદ તરત જ કોઈક જોબ કરી પરિવારને મદદરૂૂપ થવાનું વિચાર્યું.2008ની સાલમાં સ્કૂલમાં નોકરી મળી અને ધીમે ધીમે આર્થિક સ્થિતિ સારી થવા લાગી. દરેક વ્યક્તિની જેમ ઘરનું ઘર લેવાનું સ્વપ્ન સાકાર થવાની તૈયારી હતી ત્યાં જ અમદાવાદથી મહુવા આવતી વખતે એસટી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ, નેહાબેન બેઠા હતા એ જ ભાગમાં અસર થઈ અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. શોલ્ડરમાં ક્રેક, હાથ-પગમાં 50 થી 60 ટાંકા, માથામાં ચાર ટાંકા તથા ફેસમાં 25 ટાંકા આવ્યા હતા. સવારે 7:00 વાગ્યે થયેલ એક્સિડન્ટ બાદ રાત્રે એક વાગ્યે સારવાર મળી જેથી કરીને ડાબા પગમાં ગંભીર ઈજા થતાં સૌપ્રથમ 50% જેટલો ભાગ દૂર કરવો પડ્યો અને ત્યારબાદ બીજી સર્જરીમાં ફરી 30% જેટલો પગ દૂર કરવો પડ્યો. હાલતી-ચાલતી હસતી-રમતી વ્યક્તિનો એક પગ જતો રહે તો જાણે જીવન પણ બેસહારા અને કાંખ ઘોડીના સહારે આવી ગયું હોય તેવું લાગ્યું.


હોસ્પિટલમાં દોઢ મહિનાના સમયને યાદ કરતા નેહાબેન જણાવે છે કે મને એ સમયે કંઈ જ ખબર નહોતી પરંતુ માતા રડ્યા કરતા હતા અને વિચારતા હતા કે એક પગ વગર મારી દીકરી કઈ રીતે જીવન જીવશે?પરંતુ દરેક અંધકાર પાછળ પ્રકાશનું કિરણ હોય જ છે એમ પ્રોસ્થેટિક લેગ વિશે માહિતી મળી પણ હજુ માર્ગ એટલો સરળ નહોતો. પ્રોસ્થેટિક લેગના કમ્પોનન્ટ્સ મગાવ્યા એ જ સમયે યુક્રેનનું યુદ્ધ થયું જેના કારણે ફરી વિલંબ થયો જેથી દોઢ વર્ષ એક પગ સાથે સમય વિતાવવો પડ્યો. ‘શારીરિક પરિસ્થિતિઓ કરતા પણ માનસિક પરિસ્થિતિ જાળવવી ખૂબ અઘરી બની. જેટલા મોં એટલી વાતો પણ મજબૂત મન સાથે એનો પણ સામનો કર્યો. હિંમત જાળવી રાખી. ડિપ્રેશન જેવી પરિસ્થિતિમાંથી બહાર આવવા અમદાવાદ રિવરફ્રન્ટ પર ટી સ્ટોલ ચાલુ કર્યો જે જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.’


નેહાબેનના અકસ્માત બાદના વીડીયો સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચ્યા હતા. તેમનો સૌપ્રથમ વીડિયો બે મિલિયનથી પણ વધુ લોકોએ જોયો અને વાયરલ કર્યો,આમ નેહા ભટ્ટનું નામ એમ્પ્યુટી નેહા તરીકે ખૂબ જાણીતું બન્યું હતું. ટી સ્ટોલને ધાર્યા કરતા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. આબાલ વૃદ્ધ સૌ કોઈ તેમની ચાનો સ્વાદ લેવા આવતા અને બદલામાં હિંમત અને પ્રોત્સાહન પૂરું પાડતા. કોઈ ભેટ લઈને આવતું તો કોઈ કેક લઈને આવતું અને આમ તેનો જુસ્સો વધવા લાગ્યો. એટલામાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા તેની ચાની કેબિન દૂર કરી પરંતુ સોશિયલ મીડિયામાં એ વીડિયો પણ ખૂબ વાયરલ થયો. જેમ દરેક સમય એકસરખો નથી હોતો એ રીતે જાણે સારા સમયનું આગમન થયું હોય તે રીતે સોશિયલ મીડિયા દ્વારા આવક અને ઓળખાણ બંને મળ્યા.


જે નેહા ભટ્ટને કોઈ ઓળખતું નહોતું તે નેહા ભટ્ટને આજે એમ્પ્યુટી નેહા તરીકે અનેક લોકો ઓળખે છે લોકો ઇવેન્ટમાં ચા બનાવવા માટે ફ્રીમાં સ્ટોલ આપે છે અને દરેક રીતે સપોર્ટ કરવા માટે તૈયાર હોય છે. સોશિયલ મીડિયામાંથી પણ થોડી આવક થાય છે જેના કારણે આર્થિક સહયોગ મળી રહે છે.


નેહાબેન જણાવે છે કે, ‘દિવ્યંગોને મોટાભાગે નાહવા અને વોશરૂૂમ માટે તકલીફ પડે છે ત્યારે માતા-પિતા અને મિત્રો દરેક ડગલે ખ્યાલ રાખે છે જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે ખ્યાલ પણ નહોતો કે પગ ન હોય તો પ્રોસ્થેટીક લેગથી ચાલી શકાય તેથી હવે એ લોકોને જાગૃત કરવા માટે હું શોર્ટસ પહેરું છું જેથી લોકો મારો પગ જોઈ શકે તેમ જ રોજબરોજ અનેક અકસ્માતો થાય છે ત્યારે લોકોને મળીને નિરાશ ન થવા માટે પણ સમજાવું છું.માતા વર્ષાબેન ભટ્ટ અને પિતાજી પ્રકાશભાઈ ભટ્ટ અને નાના ભાઈએ ખૂબ જ સાથ આપ્યો છે એ જ રીતે બજરંગદાસ બાપાના બગદાણા મંદિરમાં ટ્રસ્ટી તરીકે ખૂબ જાણીતા એવા સ્વ.મનજીદાદા મને દીકરી ગણતા હતા તેઓ અવસાન પામ્યાના થોડા દિવસ પહેલાં જ ઘરે આવ્યા હતા અને ચાંદીનું લોકેટ આપી ગયા હતા અને જ્યાં પણ ચાની લારી બનાવવી હોય ત્યાં તેઓ મદદ કરશે એમ પણ જણાવ્યું હતું.’ નેહાબેનના ભવિષ્યના અનેક સ્વપ્નાઓ છે પરંતુ હાલ તેઓ જીવનનો આનંદ માણી રહ્યા છે તેઓના દરેક સ્વપ્ન પૂરા થાય તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

નકારાત્મક વિચારો ન કરો
આપણા દેશના રસ્તા પર રોજબરોજ અનેક અકસ્માતો થાય છે. લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે ત્યારે લોકોને એક જ સંદેશ આપવાનો કે નકારાત્મક વિચારો ત્યજીને સકારાત્મક વિચારો દ્વારા જીવનમાં આગળ વધો. જેણે આ પરિસ્થિતિ આપી છે તે જ તમને માર્ગ પણ બતાવશે અને જીવવાનું જોમ પણ આપશે.

એક પગે ગિરનાર પણ કર્યો સર
જે ગિરનાર ચડવામાં બે પગથી ચાલનાર માણસ પણ હિંમત હારી જાય છે તે ગિરનારને તેઓ 1,000 પગથિયા પ્રોસ્થેટીક લેગ (પગ) દ્વારા ચડ્યા અને ત્યારબાદ વરસાદ શરૂૂ થતાં બાકીના પગથિયાં તેઓ એલ્બો સ્ટિક દ્વારા એક પગથી ચડ્યા.આ અનુભવ વિશે જણાવતા તેઓએ કહ્યું કે રસ્તામાં મળતા દરેક લોકો પ્રોત્સાહન આપતા હતા. અમુક લોકો પગે લાગતા,અમુક નાસ્તો કરાવતા,અમુક એનર્જી ડ્રિન્ક આપતા અને અમુક લોકો હાથ પકડીને પગથિયાં ચડવામાં મદદ કરતા હતા. વરસતા વરસાદમાં પણ એક પગે ગિરનાર ચડવાનો અનુભવ ખૂબ યાદગાર રહ્યો. નવરાત્રીમાં પણ પ્રોસ્થેસ્ટિક લેગ દ્વારા ગરબા રમ્યા તે પણ અનુભવ યાદગાર રહ્યો.

Written By: Bhavna Doshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *