જૂનાગઢના વંથલીમાં પ્રેમપ્રકરણમાં યુવાનની હત્યા

બનાવની જગ્યાએ બંદોબસ્ત ગોઠવાયો, આરોપીના રહેઠાણ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા બચાવવા વચ્ચે પડેલો યુવાન પણ લોહીલુહાણ, ચાર શખ્સો સામે ફરિયાદ જૂનાગઢના વંથલી શહેરમાં મોડી…

બનાવની જગ્યાએ બંદોબસ્ત ગોઠવાયો, આરોપીના રહેઠાણ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા

બચાવવા વચ્ચે પડેલો યુવાન પણ લોહીલુહાણ, ચાર શખ્સો સામે ફરિયાદ

જૂનાગઢના વંથલી શહેરમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ભયાનક ઘટના સામે આવી છે. શહેરની જાણીતી ભલાયશા દરગાહના પરિસરમાં 30 વર્ષીય તાજીમ સોઢા નામના યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલામાં વચ્ચે પડેલા અન્ય એક યુવકને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડાયો છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રોષ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે મૃતકના પિતાએ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

આ મામલે ઉઢજઙ રવિરાજસિંહ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સમગ્ર હત્યા પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રફીકશા કાસમશા સર્વદીની દીકરી ઇકરાને તાઝીમ મુસાભાઈ સોઢા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતને લઈને બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી મનદુ:ખ ચાલતું હતું અને અવારનવાર ઝઘડાઓ પણ થતા રહેતા હતા. આ જૂના મનદુ:ખને રાખીને ગત રાત્રે ચાર શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી તાઝીમ મુસાભાઈ સોઢા પર લાકડાના ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ગંભીર હુમલામાં ઈજાઓને કારણે તાઝીમનું મોત નીપજ્યું છે, જ્યારે ઘટના સ્થળે હાજર શકીલ જેઠવા નામના અન્ય એક વ્યક્તિને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

આ ગુનામાં પોલીસે રફીકશા કાસમશા સર્વદી, અકરમશા હનીફશા સર્વદી, અરબાઝશા રફીકશા સર્વદી અને ઈરફાનશા અમીનશા બાનવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. હાલમાં પોલીસે રફીકશા, અકરમશા અને અરબાઝશાની ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપી ઈરફાનશાને પકડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો મુજબ, વંથલીમાં ગઈકાલે મોડી રાત્રે તાજીમ સોઢા દરગાહ પાસે હતો ત્યારે અચાનક 4 હથિયારબંધ શખ્સો છરી અને લોખંડના પાઈપ સાથે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ તાજીમ પર એટલા બેફામ ઘા ઝીંક્યા હતા કે તેનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નીપજ્યું હતું.

આ લોહિયાળ ખેલ દરમિયાન તાજીમને બચાવવા વચ્ચે પડેલા અન્ય એક વ્યક્તિને પણ હુમલાખોરોએ નિશાન બનાવ્યો હતો, જે હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મૃતક તાજીમના પિતા મુસાભાઈએ આક્ષેપ કર્યો હતો કે, હુમલાખોરોમાં રફીકશા, તેનો ભત્રીજો અકરમ, પુત્ર અરબાઝ અને ઈમલો કાળી સામેલ હતા. આ ચારને તેમણે નજરે જોયા હતાં. જ્યારે અન્ય ત્રણ સાથીદારો હુમલો કરી અંધારામાં નાસી છૂટ્યા હતાં.

પુત્ર ગુમાવનાર મુસાભાઈએ માંગ કરી છે કે આ તમામ ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે. વંથલી પોલીસે અત્યાર સુધીની તપાસના આધારે અલગ-અલગ ટીમો બનાવી છે અને પિતાએ આપેલા નામોના આધારે આરોપીઓને પકડવા માટે સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાનું શરૂૂ કર્યું છે.

હત્યાની જાણ થતા જ વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજના અને મૃતકના સગા-સંબંધીઓના મોટા ટોળા એકઠા થયા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો હોસ્પિટલ અને દરગાહ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *