ભારતે કાંડા કાપીને આપી દીધા કે ટ્રમ્પનું જૂઠાણું?

અંતે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી એ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર કરાર (ટ્રેડ ડીલ) થઈ ગયો હોવાની ટ્રમ્પે જાહેરાત કરી નાખી. ટ્રમ્પની જાહેરાત…

અંતે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી એ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર કરાર (ટ્રેડ ડીલ) થઈ ગયો હોવાની ટ્રમ્પે જાહેરાત કરી નાખી. ટ્રમ્પની જાહેરાત પ્રમાણે, આ કરાર પ્રમાણે, અમેરિકાએ ભારતના માલ પર લાદેલા 50 ટકા ટેરિફને ઘટાડીને 18 ટકા કરી દીધી છે. ટ્રમ્પની જાહેરાત પ્રમાણે, ટ્રેડ ડીલ હેઠળ અમેરિકાએ ભારત પર ઠોકેલી પચીસ ટકા રેસિપ્રોકલ ટેરિફ 7 ટકા ઘટાડીને 18 ટકા કરી નાખી છે જ્યારે રશિયન ક્રૂડ ખરીદવા બદલ લગાવાયેલા વધારાની પચીસ ટકા ટેરિફ અંગે કોઈ ચોખવટ કરાઈ નથી. ટ્રમ્પના દાવા પ્રમાણે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદવાની ખાતરી આપી છે એટલે પેનલ્ટી પેટે લગાવાયેલી પચીસ ટકા ટેરિફ જતી જ રહેશે તેથી અસરકારક રીતે ભારતના માલ પર 50 ટકા ટેરિફના બદલે 18 ટકા ટેરિફ જ રહેશે. આ કહેવાતા ટ્રેડ ડીલને પગલે અમેરિકા સાથેનો આ કરાર મોદી સરકારની બહુ મોટી સિદ્ધિ હોય એ પ્રકારનું પિક્ચર ઉભું કરવાની મથામણ શરૂૂ થઈ ગઈ છે.

આઘાતજનક વાત એ છે કે, ભારત સરકાર આ ટ્રેડ ડીલ વિશે ચૂપ છે. મોદીએ એવી પોસ્ટ કરી કે, હવે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ પર અમેરિકામાં ટેરિફ ઘટીને 18 ટકા થઈ જશે એ જાણીને આનંદ થયો પણ તેમની પોસ્ટમાં ટ્રેડ ડીલ અંગે કોઈ માહિતી અપાઈ નથી. ટ્રમ્પે કરેલી પોસ્ટ પ્રમાણે, ટ્રમ્પે સાફ શબ્દોમાં કહ્યું છે કે, મોદી રશિયન ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરીને અમેરિકા પાસેથી વધુ ક્રૂડ ઓઈલ ખરીદવા સંમત થયા છે. રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ભારતના ફાયદામાં છે એવું મોદી સરકારે વારંવાર કહ્યું છે. હવે દેશને ફાયદો કરાવતી ખરીદીના બદલે અમેરિકાના ઈશારે ભારત ખરીદી કરે તેનો શો અર્થ થયો? એ જ કે ભારતે તેના સ્વમાનને કોરાણે મૂકી દીધું છે. ટ્રમ્પની પોસ્ટમાં દાવા પ્રમાણે તો ભારત અમેરિકા પાસેથી 500 અબજ ડોલરનાં એનર્જી, કોલસો, ટેકનોલોજી, કૃષિ ઉત્પાદનો અને બીજું બધું ખરીદશે. ટ્રમ્પની આ વાત સાચી હોય તો ભારતનું અર્થતંત્ર તબાહ થઈ જશે. ટ્રમ્પે 500 અબજ ડોલરનો માલ અમેરિકાનો માલ ભારત કેટલા સમયમાં ખરીદશે તેનો ફોડ પાડયો નથી પણ આ રકમ બહુ મોટી છે.

2024માં ભારતે અમેરિકામાં કુલ 80 અબજ ડોલરની નિકાસ કરી હતી. તેના કરતાં આ રકમ છ ગણી કરતાં પણ વધારે છે. અમેરિકા ભારત પાસેથી અત્યારે માલ ખરીદે છે એ સિવાયની આ ખરીદી હશે એવો ટ્રમ્પે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે એ જોતાં અત્યારે ભારત અમેરિકા સાથેના વ્યાપારમાં સરપ્લસ છે તેના બદલે ખાધમાં આવી જશે. ભારત સરકારે આ બધા મુદ્દે સ્પષ્ટતા કરવી જરૂૂરી છે. અત્યાર લગી ટ્રમ્પની ધમકીઓ સામે મોદી સરકાર ઝૂકતી નહોતી તેથી લાગતું હતું કે, મોદી સરકાર મરદ સાબિત થઈ છે પણ ટ્રમ્પની વાત સાચી હોય તો તેનો અર્થ એ થયો કે, આપણી સરકાર ટ્રમ્પનાં પગોમાં આળોટી જ ગઈ છે. ટ્રમ્પે સોમવારે સોશિયલ મીડિયા ’ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને આપેલી માહિતી પરથી લાગે કે, ભારતે અમેરિકાને કાંડાં કાપીને આપી દીધાં છે, મોદી સરકારે ડોનાલ્ડ ટ્રમ્પની નાલાયકીઓ સામે ઘૂંટણ ટેકવી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *