શહેરના ભગવતીપરામાં ગૌમાંસનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે 25 દિવસ પહેલા દરોડો પાડી માંસનો જથ્થો કબજે કરી પૃથ્થકરણ અર્થે લેબારેટરીમાં મોકલ્યો હતો. જેના રિપોર્ટમાં આ માંસ ગૌમાંસ હોવાનું ખુલતાં પોલીસે આરોપી વિરૂધ્ધ પશુઘાતકીપણાની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ગત તા.19-11નાં પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ભગવતીપરામાં આવેલી ઓરડીમાં ગૌમાંસનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં આરોપી રફીક ગફારભાઈ કટારીયા હાજર મળી આવ્યો ન હતો. ઓરડીમાં માંસના ટુંકડા પડયા હોય જેથી પોલીસે માંસના ત્રણ અલગ અલગ સેમ્પલ લઈ પૃથ્થકરણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતાં. દરમિયાન ગત તા.25/11ના એફએસએલનો રિપોર્ટ આવતાં તેમાં એક સેમ્પલ ગૌમાંસ હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે આ અંગે આરોપી રફીક ગફારભાઈ કટારીયા વિરૂધ્ધ પશુઘાતકીપણાની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકના એએસઆઈ કે.વી.ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યાં છે.
