શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી આવાસ ટાઉનશીપમાં રહેતાં યુવાને માનસિક બિમારીથી કંટાળી ફિનાઈલ પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જ્યારે બીજા બનાવમાં પુષ્કરધામમાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું.
રેલનગરમાં આવેલી શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપમાં રહેતાં નિલેશ વસંતભાઈ ચાવડા (ઉ.35) નામના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રાત્રે તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતાં એએસઆઈ કે.કે.ઝાલા સહિતના સ્ટાફે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક નિલેશે માનસિક બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યું છે.
જ્યારે બીજા બનાવમાં કાલાવડ રોડ પર પુષ્કરધામ મેઈન રોડ પર આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતાં સુનિલ કરણરાય ચાવડા (ઉ.19) નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઈ જીતુભાઈ બાળા સહિતના સ્ટાફે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. યુવાન પુત્રનાં મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
