રાજકોટ શહેરના રૈયાધાર મારવાડીવાસમા રહેતા યુવાન પર ગણેશ ચતુર્થીના દિવસે ગીત વગાડવા મામલે થયેલી માથાકુટનો ખાર રાખી 4 શખ્સોએ લોખંડના સળીયા વડે હુમલો કરતા યુનિવર્સિટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસે ચારેય આરોપીઓને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે. વધુ વિગતો મુજબ મારવાડીવાસમા રહેતા અને કલરકામ કરતા કૈલાશ તુલસીરામ ભાટી નામના 40 વર્ષના યુવાને પોતાની ફરીયાદમા પ્રભુ, વિસ્તારામ, નોરથારામ અને પ્રકાશ દેવીપુજકનુ નામ આપતા તેમની સામે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે.
આ મામલે પીએસઆઇ એન. જે. મસાકપુત્રા સહીતના સ્ટાફે તપાસ આરંભી છે. કૈલાસે ફરીયાદમા જણાવ્યુ હતુ કે 25/12 ના રોજ પોતે ઘરે હતો ત્યારે પુત્રને પ્રભુનો ફોન આવ્યો હતો અને તેમણે બહાર આવવાનુ કહયુ હતુ. જેથી પુત્રી સંજય ઘરની બહાર ગયા બાદ થોડીવારમા મોટેમોટેથી અવાજ આવવા લાગ્યો હતો અને કૈલાશભાઇ ઘરની બહાર જતા ત્યા વિસ્તારામ, નોરથરામ ગુર્જર અને પ્રકાશ સહિત ચાર વ્યકિતએ પુત્રને ગાળો આપી માર માર્યો હતો અને પ્રભુએ લોખંડના સળીયો લઇ પુત્ર સંજયને માથાના ભાગે ઝીંકી દેતા તેને ઇજા થઇ હતી. તેમજ પુત્રને બચાવવા જતા કૈલાશભાઇને પણ આરોપીઓએ માર મારતા તેમને પણ ઇજા થઇ હતી. આ મામલે સારવાર માટે સંજયને સરકારી હોસ્પિટલમા ખસેડાયો હતો તેમજ કૈલાશભાઇએ જણાવ્યુ હતુ કે અગાઉ ગણેશ ચતુર્થીના દિવસે ગીત વગાડવા મામલે બંને પક્ષે બોલાચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખી આરોપીઓએ હુમલો કર્યો હતો.