શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતાં રિક્ષા ચાલક યુવાનને પૈસાની લેતી દેતી બાબતે કે.કે.વી. ચોક પાસે બોલાવી ચાર શખ્સોએ છરી-પાઈપ વડે હુમલો કરી હાથ ભાંગી નાંખ્યો હતો. આ હુમલામાં ઘવાયેલા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે હુમલાખોરો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, કાલાવડ રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા આવાસ કવાર્ટરમાં રહેતો અને રીક્ષા ચલાવતો અનિલ કુમારભાઈ કુકરેજા (ઉ.32) નામના યુવાને માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિજય સોલંકી, રોહિત ઉર્ફે સુજો અલ્પેશભાઈ ગોહિલ, ગુડ્ડુ રાજપૂત અને મહેશ સોંદરવાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, છ મહિના પહેલા મેટોડા જીઆઈડીસીમાં આવેલા એકતાનગરમાં રહેતાં પપ્પુ ઉર્ફે અલ્પેશ શંકરભાઈ ગોહિલ પાસેથી રૂપિયા એક લાખ ઉછીના લીધા હતાં. જેના કટકે કટકે રૂપિયા 40 હજાર પરત આપી દીધા હતાં.
બાદમાં ગત તા.9ના રાત્રે પપ્પુએ ફોન કરી બાકી નીકળતા નાણાંની ઉઘરાણી કરી હતી. ત્યારે તેણે બાકી નીકળતા નાણા કટકે કટકે આપી દઈશ તેમ કહ્યું હતું. ત્યારબાદ ગત મોડીરાત્રે કુબલીયાપરામાં રહેતાં વિજય સોલંકીએ ફોન કરી કાલાવડ રોડ પર કે.કે.વી.ચોક પાસે મળવા બોલાવ્યો હતો. જેથી તે તેના મિત્ર સાથે કે.કે.વી.ચોકે જતાં સ્કોર્પિયો કારમાં આવેલા ચારેય આરોપીઓએ છરી અને પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો અને આજે તને મારી જ નાખવો છે તેવી ધમકી આપી હતી. જો કે ત્યાં લોકોના ટોળા એકઠા થઈ જતાં આરોપીઓ નાસી છુટયા હતાં. આ હુમલામાં અનિલને ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેના હાથમાં ફેંકચર હોવાનું તબીબો દ્વારા જણાવ્યું હતું.
