નવી કોર્ટ પાસે હિટ એન્ડ રન : પિતાને મળવા જતાં 4 વર્ષના પુત્રનું કારની હડફેટે મોત

જેલમાં રહેલા પિતાને કોર્ટમાં તારીખ હોવાથી બાળક તેના ફઈ સાથે કોર્ટે ચાલીને જતો હતો ને અજાણ્યો કાર ચાલક ઉલાળી નાસી છૂટ્યો શહેરમાં વધુ એક હિટ…

જેલમાં રહેલા પિતાને કોર્ટમાં તારીખ હોવાથી બાળક તેના ફઈ સાથે કોર્ટે ચાલીને જતો હતો ને અજાણ્યો કાર ચાલક ઉલાળી નાસી છૂટ્યો

શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેલમાં રહેલા પિતાને કોર્ટમાં મુદત હોય જેથી માધાપર ચોકડી પાસે રહેતો ચાર વર્ષનો બાળક તેના ફઈ સાથે પિતાને કોર્ટે મળવા માટે ચાલીને જતો હતો ત્યારે નવી કોર્ટ પાસે અજાણ્યા કાર ચાલક બાળકને ઉલાળી નાસી છુટયો હતો. આ અકસ્માતમાં બાળકનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત કરી નાસી છુટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, માધાપર ચોકડી પાસે જામનગર રોડ પર નાગેશ્ર્વર બસ સ્ટેશન પાસે આવેલા શેઠનગરમાં રહેતો ચાર વર્ષનો બાળક રાજ નિતેશભાઈ વાજેલીયા આજે સવારે 11 વાગ્યાના અરસામાં તેના ફઈ વસંતબેન સાથે ચાલીને જામનગર રોડ પર નવી કોર્ટે જતો હતો ત્યારે નવી કોર્ટ વાળા રસ્તે પુરપાટ ઝડપે આવતાં અજાણ્યા કાર ચાલકે બાળકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયો હતો. આ બનાવ રાજને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક રાજ ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતો. તેના પિતા નિતેશભાઈ વિરૂધ્ધ ગુનો નોંધાયેલો હોવાથી હાલ તેઓ જેલમાં છે. આજે તેમની કોર્ટમાં તારીખ હોવાથી તેઓ કોર્ટે આવવાના હોય જેથી રાજ તેના પિતાને મળવા ફેઈ વસંતબેન સાથે ચાલીને કોર્ટે જતો હતો ત્યારે રસ્તામાં જ કાળ ભેટી જતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા અને તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *