ધોરાજી તાલુકાના તોરાણીયા ગામે રહેતા એક આધેડને મદદના બહાને મળવા બોલાવી મહિલા અને તેના મિત્રએ લુંટ ચલાવતા. બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં બન્ને સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
માહિતી મુજબ, ધોરાજીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ વીશીપ્લોટ વિસ્તારમાં રહેતા 54 વર્ષીય મનસુખભાઈ ભીખાભાઈ ભડેલીયા નામના પ્રૌઢે આ અંગે ફરિયાદ નોંધાવી છે. મનસુખભાઈ છૂટક મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે આપેલી ફરિયાદ મુજબ, તેમના પડોશમાં રહેતા મિત્ર ભાવિનભાઈ સાથે રસોડાના કામમાં સાથે આવતી-જતી જેતપુરની કવિતાબેન અજયભાઈ દુધરેજીયા સાથે તેમનો પરિચય થયો હતો. કવિતાબેન વિધવા અને આર્થિક રીતે નબળા હોવાથી મનસુખભાઈ તેમને અવારનવાર આર્થિક અને સામાજિક મદદ કરતા હતા, જેના કારણે બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત થતી હતી.
ગત તારીખ 26 ઓગસ્ટ 2026ના રોજ સવારે કવિતાબેને મનસુખભાઈને ફોન કરીને નાની પરબડી ગામે દાણા જોવડાવવા જવાનું કહી તોરાણીયા ચોકી રોડ પર આવેલી બટુકભાઈ બાબરીયાની વાડીએ બોલાવ્યા હતા. આથી મનસુખભાઈ સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે પોતાના હીરો હોન્ડા મોટરસાયકલ પર વાડીએ પહોંચ્યા હતા. ત્યાં કવિતાબેન સાથે નાની પરબડી ગામનો હરસુખ ઉર્ફે મહેશ ડાયાભાઈ ચૌહાણ નામનો યુવક હાજર હતો.
મનસુખભાઈ વાડીએ પહોંચતા જ મહેશ નામના શખ્સે તેમનો હાથ પકડી ખેંચવાનું શરૂૂ કર્યું હતું. મનસુખભાઈએ વિરોધ દર્શાવતા જ મહેશ અને કવિતાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. દરમિયાન કવિતાબેને “આ મનસુખિયાને લૂંટી લ્યો” તેવી ઉશ્કેરણી કરી હતી. મહેશે મનસુખભાઈને પકડી રાખી “હલતો નહીં નહિતર પતાવી દેશું” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ સમય દરમિયાન કવિતાબેને મનસુખભાઈના પેન્ટના ખિસ્સા માંથી રૂૂ.8 ,000ની કિંમતના બે મોબાઈલ, રૂૂ. 2,500ની રોકડ રકમ તથા મોટર સાયકલ નંબર ૠઉં-03-ઋઋ-1245 ની ચાવી આંચકી લીધી હતી.
લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓએ પ્રૌઢને “ભાગી જા નહિતર પતાવી દેશું” તેવી ધમકી આપીને ભગાડી મુક્યા હતા. ઘટના બાદ ભયભીત થયેલા મનસુખભાઈ ઘરે પરત ફર્યા હતા. આરોપીઓના ડરના કારણે તેઓ તરત પોલીસ મથકે પહોંચી શક્યા ન હતા. પરંતુ તેમના ભત્રીજા પરાગભાઈએ આશ્વાસન અને હિંમત આપતા અંતે તારીખ 30 ઓગસ્ટ 2026ના રોજ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસે કવિતાબેન અજયભાઈ દુધરેજીયા (રહે. જેતપુર) અને હરસુખ ઉર્ફે મહેશ ડાયાભાઈ ચૌહાણ (રહે. નાની પરબડી) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ પી.આઈ બી.આર. પટેલ ચલાવી રહ્યા છે.
