2024માં બીજા નોરતે ગરબે રમવા ગયેલી સગીરા પર ગેંગરેપ કેસમાં પોકસો કોર્ટનો ચૂકાદો, પીડિતાને 10 લાખનું વળતર અને આરોપીઓને 50-50 હજારનો દંડ
વડોદરાના અતિ ચકચારી ભાયલી ગેંગરેપ કેસના 5 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારવામાં આવી છે. 20મી ઓગસ્ટે વડોદરાની પોક્સો કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ પોક્સો કોર્ટે સજાનું એલાન કર્યું. 2024માં બીજા નોરતાની રાત્રે મિત્ર સાથે ગરબા રમવા ગયેલી સગીરા અને તેનો મિત્ર બેઠા હતા ત્યારે જ પાંચ શખસોએ ત્યાં આવી સગીરા સાથે અડપલાં અને દુષ્કર્મ આચર્યું’તું. કોર્ટે સજાનું એલાન કર્યા બાદ પીડિતાને રૂૂ. 10 લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો. મહત્વનું છે કે, વડોદરામાં પ્રથમવાર એકસાથે પાંચ આરોપીઓને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવામાં આવી.
ખાસ સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે, કોર્ટે આ ચુકાદો સંભળાવતી વખતે સુપ્રીમ કોર્ટના ઈશાનકુમાર કેસના જજમેન્ટ અને માર્ગદર્શિકાનું પાલન કર્યું છે. આરોપીએને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સાથે 50-50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો. પીડિતાને રૂૂ. 10 લાખ રૂૂપિયાનું વળતર ચુકવવા હુકમ કરાયો.
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મના આ કેસમાં પ્રોસિક્યુશન તરફથી સાંયોગિક પુરાવાની દરેકે દરેક કડીઓ નામદાર કોર્ટ સમક્ષ શંકારહિત રીતે પૂરવાર કરવામાં આવી હતી. આ ગુનાની શરૂૂઆતમાં પાંચ પૈકી બે આરોપીઓએ ભોગ બનનાર સાથે શારીરિક છેડછાડ કરી અને ત્યારબાદ બાકીના ત્રણ જણાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
બનાવ સમયે ભોગ બનનારનો મોબાઈલ ફોન પણ લૂંટી લેવામાં આવ્યો હતો અને તે લૂંટનો દાવો પણ કોર્ટે ગ્રાહ્ય રાખ્યો છે. આરોપીઓએ પુરાવાનો નાશ કરવાના હેતુથી મોબાઈલને વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો. આ મોબાઈલને શોધવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને તેમની જુબાનીઓ તથા મેડિકલ પુરાવા પણ કોર્ટે માન્ય રાખ્યા છે. સંયોગિક પુરાવાના કેસમાં સંજોગોની તમામ કડીઓ યોગ્ય રીતે જોડાવી જરૂૂરી હોય છે, જે પુરાવા પ્રોસિક્યુશન ટીમ અને પોલીસે મળીને કોર્ટ સમક્ષ સફળતાપૂર્વક રજૂ કર્યા હતા. કોર્ટે આ તમામ પુરાવાઓને સંતોષજનક ગણાવ્યા છે અને તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે.
બનાવના 17 દિવસમાં પોલીસે 6000 પાનાંની ચાર્જશીટ ફાઈલ કરી
ઘટનાના માત્ર 17 દિવસ બાદ પોલીસે પોક્સો કોર્ટમાં આશરે 6,000 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટમાં લગભગ 100 સાક્ષીઓના નિવેદનો, એફએસએલ અને મેડિકલ રિપોર્ટ, ડીએનએ સેમ્પલ તથા સીસીટીવી સહિતના પુરાવાઓ સામેલ કરવામાં આવ્યા. રાજ્ય સરકારે પણ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખાસ સરકારી વકીલોની નિમણૂક કરી હતી. તપાસ દરમિયાન સગીરાનો મોબાઇલ ફોન પણ મહત્વની કડી બન્યો હતો. આરોપીઓમાંથી એક આરોપીએ સગીરાનો ફોન લઈ લીધો હતો. પોલીસ તપાસમાં ફોન શોધવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આરોપીએ ફોન નદીમાં ફેંકી દીધો હતો. ફોન ન મળ્યો હોવા છતાં પોલીસે અન્ય ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી હતી. એટલે આ કેસ માત્ર નિવેદનો પર આધારિત ન રહે, પરંતુ શક્ય તેટલા વૈજ્ઞાનિક પુરાવાઓથી મજબૂત બનાવવામાં આવ્યો હતો.
