ધોરાજીના સાત વર્ષના બાળકની હત્યામાં મહિલાનો નિર્દોષ છૂટકારો

હાઈકોર્ટના આદેશ બાદ ફેરતપાસમાં પુરાવાના અભાવે કોર્ટે આરોપીને મુક્તકરી, 30 વર્ષે ચૂકાદો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજથી અંદાજે 30 વર્ષ પૂર્વે બનેલી એક હૃદયદ્રાવક અને ચકચારી…

હાઈકોર્ટના આદેશ બાદ ફેરતપાસમાં પુરાવાના અભાવે કોર્ટે આરોપીને મુક્તકરી, 30 વર્ષે ચૂકાદો

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજથી અંદાજે 30 વર્ષ પૂર્વે બનેલી એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટનામાં સ્થાનિક કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ભાદર ઈરીગેશન કોલોનીમાં રહેતા ગીરધરભાઈ છગનભાઈ કોઠીયાના 7 વર્ષના માસૂમ પુત્ર જલદીપની હત્યાના આરોપમાં સંડોવાયેલા મહિલા આરોપી અનીતાબેન ઉર્ફે અરુણાબેન રાજેશભાઈ દેવમુરારીને કોર્ટે પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસની વિગત મુજબ, ગત તારીખ 5/8/1996ના રોજ જલદીપ સાંજના સમયે ગુમ થયો હતો અને મોડી રાત્રે તેના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

ફરિયાદીના પડોશી કાનજીભાઈ શામજીભાઈ કોયાણીએ આ ઘટનાના સાક્ષી તરીકે જણાવ્યું હતું કે તેમણે આરોપીને બાળકના મૃતદેહને ઉપરના માળેથી નીચે ફેંકતા જોઈ હતી, જેના આધારે ધોરાજી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.તત્કાલીન પોલીસ તપાસ દરમિયાન પી.આઈ. એન.પી. પરમાર દ્વારા આરોપી અરુણાબેનની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બાળકોના ઘોંઘાટ અને ઝઘડાથી કંટાળીને આરોપીએ ઉશ્કેરાટમાં આવી જલદીપને પોતાના ઘરમાં લઈ જઈ દસ્તા વડે માથા અને મોઢાના ભાગે ઘાતકી પ્રહાર કરી તેની હત્યા કરી હતી.

તપાસમાં આરોપીના કપડાં, ઘરનો સામાન અને દસ્તા પરથી લોહીના નિશાન મળી આવ્યા હોવાનું પણ જણાવાયું હતું. આ કેસમાં અગાઉ વર્ષ 2025માં આરોપી ગેરહાજર હોવા છતાં તેમને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરી રાજકોટ સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.જોકે, આ સજાના હુકમ સામે આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે નીચલી કોર્ટનો સજાનો હુકમ રદ કરી આ કેસમાં ફરીથી નવેસરથી ટ્રાયલ (છયિશિંફહ) ચલાવવાનો આદેશ આપ્યો હતો.

આ આદેશને પગલે ધોરાજીની કોર્ટમાં ફરીથી કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પુન: સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલો દ્વારા ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી કે સમગ્ર કેસ માત્ર સાંકળ વગરના સાયોગિક પુરાવાઓ પર આધારિત છે. પોલીસ તપાસમાં રહેલી ગંભીર ક્ષતિઓ, મુદ્દામાલની ’ચેઈન ઓફ કસ્ટડી’ જાળવવામાં નિષ્ફળતા અને નક્કર પુરાવાઓના અભાવે આરોપી સામેનો ગુનો સાબિત થતો નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ધોરાજીના એડીશનલ સેસન્સ જજ એ.એમ. શેખ સાહેબે બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ તારીખ 9/3/26ના રોજ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદી પક્ષ આરોપી વિરુદ્ધ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે, જેના પરિણામે આરોપી અનીતાબેન ઉર્ફે અરુણાબેનને નિર્દોષ ઠરાવી જેલમુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી તરફે જેતપુરના સિનિયર એડવોકેટ આર.આર. ત્રિવેદી, ભાવેશ પી. ત્રિવેદી, જે.જી. વાઘેલા અને પાલકુ જી. સિંધવડ રોકાયા હતા. ત્રણ દાયકા જૂના આ કેસના અંતે આવેલા ચુકાદાએ કાયદાકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *