ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે ખેતર માંથી જીરું ચોરીની ઘટના સામે આવી છે. ખેડૂતની વાડીમાંથી અંદાજે 70 મણ જીરા પૈકી 40 મણ જેટલા જીરાની ચોરી થઈ હતી. નવાઈની વાત એ છે કે, ખેડૂતે પોતાની રીતે તપાસ હાથ ધરતા ચોરાયેલા જીરા પૈકીનો અડધો જથ્થો પડોશની વાડી અને રસ્તા કિનારે કપાસની સાઠીઓ નીચે છુપાવેલો મળી આવ્યો હતો.
મળતી વિગતો મુજબ અનિડા ભાલોડી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા કુલદિપભાઈ કિશોરભાઈ ભાલોડીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓએ ગામના નિતેષભાઈ નોંઘણવદરાની 19 વીઘા જમીન સાખે (ભાગે) રાખીને ખેતી કરી હતી. આ જમીનમાં તેઓએ 9 વીઘામાં જીરાનું વાવેતર કર્યું હતું, જેમાંથી અંદાજે 70 મણ જેટલું જીરું નીકળ્યું હતું. આ જીરું સાફ કરવા માટે તેમણે વાડીમાં ગુંગણ (પ્લાસ્ટિકના પાથરણા) પાથરીને રાખ્યું હતું. ગત તા. 23/03/2026ના રોજ રાત્રે તેઓ વાડીએ આંટો મારીને ઘરે ગયા હતા.
બીજા દિવસે સવારે જ્યારે તેમના ભાગિયા પીન્ટુ અને સંગીતા વાડીએ પહોંચ્યા, ત્યારે માલ ઓછો હોવાનું જણાયું હતું. કુલદિપભાઈએ તપાસ કરતા 70 મણમાંથી ઘણો ખરો જથ્થો ગાયબ હતો. ચોરીની જાણ થતા કુલદિપભાઈએ તેમના મિત્ર નિરવભાઈ અને ગામના અન્ય માણસો સાથે મળીને વાડીની આસપાસ તપાસ શરૂૂ કરી હતી. તપાસ દરમિયાન પડોશની વાડી પાસેના પાણીના નિકાલના વોકળામાં સુકા ખડ નીચે છુપાવેલું આશરે 10 મણ જીરું મળી આવ્યું હતું. ત્યારબાદ તપાસ ચાલુ રાખતા અનિડા-જામકંડોરણા રોડ પર એક વાડી સામે કપાસની સાઠીઓ નીચેથી કુલદિપભાઈના જ બાચકા મળી આવ્યા હતા, જેમાં અંદાજે 15 મણ જીરું હતું.
કુલ 25 મણ જેટલું જીરું ખેડૂતે જાતે શોધી કાઢ્યું હતું, જે તસ્કરોએ કદાચ રાત્રિના સમયે લઈ જવાની પેરવીમાં ત્યાં છુપાવ્યું હોવાની આશંકા છે. કુલદિપભાઈ કિશોરભાઈ ભાલોડીના જણાવ્યા મુજબ, હજુ પણ આશરે 40 મણ જેટલું જીરું મળી આવ્યું નથી. જેની બજાર કિંમત અંદાજે રૂૂ. 1.60 લાખ જેટલી થાય છે. ખેડૂતે બે દિવસ સુધી પોતાની રીતે તપાસ કર્યા બાદ અંતે આ મામલે જામકંડોરણા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ હાથ ધરી છે. સીઝન ટાણે જ ખેડૂતના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જતાં પંથકના ખેડૂતોમાં ફાળ પડી છે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે.
