થાળીમાં ભોજન વધ્યું તો ‘સેવાભાવી’ લોકોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો

અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગરીબને દંડ ફટકારી ઢોર માર મારતાં મોત, પોલીસની ઢીલી નીતિ સામે રોષ, પરિવારનો લાશ સ્વીકારવાનો ઈન્કાર અમરેલી સિવીલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા…

અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગરીબને દંડ ફટકારી ઢોર માર મારતાં મોત, પોલીસની ઢીલી નીતિ સામે રોષ, પરિવારનો લાશ સ્વીકારવાનો ઈન્કાર

અમરેલી સિવીલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા એક દલિત યુવાન પર ભોજન વ્યવસ્થા અને અન્ય કામગીરી સંભાળતા 7 શખ્સોએ પ્લાસ્ટિકના પાઈપ વડે હુમલો કરી ઢોર માર મારતા આ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવાન પર હુમલાની આ ઘટના ગત 17મી તારીખે બપોરે સાડા બારેક વાગ્યાના સુમારે સિવીલ પરિસરમાં ટ્રસ્ટની ભોજન વ્યવસ્થા સંભાળતી જગ્યામાં બની હતી.

ગોપાલગ્રામમાં રહેતો મહેશ પ્રેમજીભાઈ રાઠોડ (ઉ.વ.24) નામનો યુવાન અહીં સિવીલમાં તેના મોટા બાપુજીને સારવાર માટે લઈ આવ્યો હતો. બપોરના સમયે તે ભોજનાલયમાં જમવા ગયો હતો. પરંતુ તેને ઉલટી, ઉબકા થતા હોય થાળીમાં પીરસેલુ ભોજન ખાધુ ન હતું. જેથી અહીં ટ્રસ્ટનું ભોજનની વ્યવસ્થા સંભાળતા ભરત આચાર્ય સહિતના શખ્સોએ તેને પુરે પુરૂૂ ભોજન જમી લેવા અથવા રૂૂપિયા 50નો દંડ ભરવા આ યુવાનને કહ્યું હતું. જેથી આ યુવાને રૂૂપિયા 500ની નોટ જમા કરાવી હતી અને થાળી પણ ધોઈ દીધી હતી.

સિવીલ પરિસરમાં મૃતક યુવકની માતા આક્રંદ સાથે બે હાથ જોડી ન્યાય માંગી રહી હતી. યુવકની બહેન, પિતાના આક્રંદે પણ શોકમય વાતાવરણ સર્જયું હતું. ભરત આચાર્ય સહિતના શખ્સોએ બાકીના 450 આપવાનો ઈનકાર કરી પ્લાસ્ટિકના પાઈપ વડે આ યુવાન પર હુમલો કર્યો હતો. ભરત ઉપરાંત કાળુ નામનો શખ્સ, હિરા ખુમાણ, ચતુર દાફડા તથા ત્રણ અજાણ્યા શખ્સોએ દોડી આવી આ યુવકને પાઈપ વડે ઢોર માર માર્યો હતો. જેને પગલે યુવકને સિવીલમાં દાખલ કરવો પડ્યો હતો અને ગુનો પણ નોંધાયો હતો. દરમિયાન રાતે આ યુવાને અમરેલી સિવીલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

ઘટનાને પગલે મૃતક યુવકની લાશને ફોરેન્સીક પીએમ માટે ભાવનગર હોસ્પિટલે ખસેડવામાં આવી છે. યુવકના પરિજનોએ તમામ સાત શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે લાશ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહી સિવીલમાં ધરણા પર બેસી ગયા હતી. સીટી પોલીસે હજુ સુધી આ બારામાં હત્યાનો ગુનો દાખલ કર્યો નથી. 17મી તારીખે બપોરના સમયે યુવાન પર પ્લાસ્ટિકની પાઈપ વડે થયેલા હુમલાની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હતી. જેના આધારે તપાસ આગળ ધપાવવામાં આવશે. બનાવ અંગે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે લાશને ફોરેન્સીક પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાયદાકીય કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *