રાજકોટની ભાગોળે મેટોડા જીઆઇડીસીમાં જયોતી સીએનસીમાં કામ કરતા ત્રણ યુવાનો સવારના બાઈક ઉપર કામે જતા હતા ત્યારે મેટોડામાં ગેટ નંબર-2 પાસે સામેથી આવેલા બાઇકે ટક્કર મારતા ત્રણેય યુવાનો નીચે પટકાયા હતા. જેથી તેમને ઇજાઓ પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈકચાલક યુવાનનું મોત થયું હતું.
આ બનાવ અંગે મૂળ દાહોદના વતની અને હાલ વિરડા વાજડી ગામે ભાડે મકાનમાં રહેતા અરવિંદ રાજુભાઈ નળવાયા (ઉ.વ. 21) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા એકાદ વર્ષથી જ્યોતિ સીએનસીમાં નોકરી કરે છે તેની સાથે વિપુલ શકરાભાઈ ગમારા જે પણ મૂળ દાહોદનો વતની હોય અને જ્યોતિષી કંપનીમાં કામ કરતો હોય જેથી બંને અહીં રૂૂમમાં સાથે રહે છે. ગઈકાલ સવારના 6-00 વાગ્યા આસપાસ સાથે કામ કરનાર અન્ય યુવાન અજય ભુરા બાઈક નંબર જીજે 20 બીજે 2479 લઈને આવ્યો હતો બાદમાં ત્રણેય કામે જવા માટે નીકળ્યા હતા. વિપુલ ગમારા બાઇક ચલાવતો હતો અજય વચ્ચે બેઠો હતો જ્યારે ફરિયાદી યુવાન સૌથી છેલ્લે બેઠો હતો.
દરમિયાન મેટોડા જીઆઇડીસી ગેટ નંબર-2 પાસે આવેલા પાવર હાઉસ પાસે પહોંચતા સામેથી એક બાઈક પૂરપાટ ઝડપે ધસી આવ્યું હતું અને તેણે ટક્કર મારતા ત્રણેય યુવાનો નીચે પટકાયા હતા.જેથી ત્રણેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.બાઇક ચાલક વિપુલ શકરાભાઇ ગમારાને ગંભીર ઇજા પહોંચી હોય તેનું સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત થયું હતું. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી મેટોડા જીઆઇડીસી પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.
