લોધિકાના સાંગણવામાં યુવાને ઉંઘની વધુ પડતી ગોળીઓ પી લેતાં તબીયત લથડી
વાંકાનેરમાં રહેતા ભંગારના ધંધાર્થી સાથે બે કાકાજી સસરા સહિતના ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરમાં માટેલ રોડ પર રહેતાં સંજયભાઈ નયનભાઈ મંડરીયા નામનો 30 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે દિલાભાઈ, કરશનભાઈ અને સંજયભાઈ નામના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર મારી પથ્થરમારો કર્યો હતો. જે હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર શખ્સો ઈજાગ્રસ્ત યુવકને કાકાજી સસરા અને સાળો થાય છે અને ઈજાગ્રસ્ત યુવાન ભંગારનો ધંધો કરે છે. હુમલાખોર શખ્સોએ દારૂના નશામાં હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં લોધિકા તાલુકાના સાંગણવા ગામે રહેતાં રામદેવસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.35)એ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઉંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હતી. યુવકની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
