વાડીના રૂમનું તાળું ખોલી અનાજ ભરવાની કોઠીમાં રાખેલ દાગીના તસ્કરો ચોરી ગયા
ચોટીલાના ચિરોડા ગામે રહેતા ખેડુતના ખિજડિયા ગામે આવેલા વાડીના મકાનમાં તસ્કરો ત્રાંટક્યા હતાં અને બંધ મકાનનું તાળુ ખોલી અનાજ ભરવાની કોઠીમાં રાખેલા રૂા. 1.71 લાખના દાગીના ચોરી જતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચિરોડા (ઠાંગા) માં રહેતા શાંતિભાઈ મંગાભાઈ ચાવડાની રાજકોટની ભાગોળે ખિજડિયા ગામની સીમમાં આવેલ વાડીના બંધ મકાનમાં તસ્કરો ત્રાંટક્યા હતાં વાડીના મકાનનું તાળુ ચાવી વડે ખોલી અંદર પ્રવેશી રૂમમાં અનાજ ભરવાની કોઠીમાં તાળુ મારીને રાખેલા સોનાના દાગીના તસ્કરો ચોરી ગયા હતાં. અનાજ ભરવાની કોઠીમાં ઘંઉમાં રાખેલ સોનાનો હાર, સોનાનું પાંદડુ, સોનાની બુટી સહિત રૂા. 1.71 લાખની મત્તા તસ્કરો ચોરી જતાં આ મામલે કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકાએ એ દિશામાં તપાસ શરૂ કરી છે. કારણ કે, વાડીના મકાનનું તાળુખોલી ચોરી થઈ હોય આ ચાવી સામજીભાઈ ક્યાં રાખતા હતા તે તસ્કરને જાણ હોય તેથી આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા સેવાઈ રહી છે.
