દેવભૂમિકા દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહેલા એક રાજસ્થાની પરિવારને પોરબંદરના વિસાવડા નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર માર્ગ નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર 1 મહિલા અને 1 પુરુષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તેમને શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનો આ પરિવાર દ્વારકા દર્શન કરીને પોતાની કારમાં પોરબંદર તરફ જઈ રહ્યો હતો. વિસાવડા હાઈવે પર પહોંચતા કારચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી અને પલટીઓ મારી ગઈ હતી.મૃતકોમાં ગણેશરામ હરજીજી માડી (ઉં.વ. 76) અને પઘનદેવી નાગજીજી માડી (ઉં.વ. 60)નો સમાવેશ થાય છે.તેમજ ઘવાયેલાઓમાં નાગજીરામ હરજીજી માડી (ઉં.વ. 72), મદનલાલ નાગજીજી માડી (ઉં.વ. 33), અરજનકુમાર માવારામ માડી (ઉં.વ. 35), પન્નાલાલ તગારામ માડી (ઉં.વ. 33) અને શિવરામ અરજણકુમાર માડી (ઉં.વ. 8)નો સમાવેશ થાય છે.અકસ્માત સમયે કારમાં કુલ 7 લોકો સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે કારમાં સવાર 1 મહિલા અને 1 પુરુષના સ્થળ પર જ પ્રાણ પંખેરૂૂ ઉડી ગયા હતા. અન્ય 5 મુસાફરોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટેની પ્રક્રિયા હાથ ધરી છે. આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂૂ કરવામાં આવી છે. હસતા-રમતા દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારમાં આ અણધારી આફતથી શોકનું મોજું ફરી વળ્યું છે.
