ધર્મજાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રેરિત અને આયોજિત જગપ્રસિદ્ધ ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમા રવીવારનાં અત્યંત ઉત્સાહ અને આસ્થાભેર સંપન્ન થઈ હતી. ચોટીલાની તળેટીમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડ્યો હતો, જેમાં અંદાજે દોઢ લાખ જેટલા માઈભક્તો જોડાયાનો અંદાજ છે.
પ્રારંભ પૂર્વે ડુંગરની તળેટીમાં આવેલ પ્રસિદ્ધ નવગ્રહ મંદિર ખાતે એક ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ઉપસ્થિત સાધુ-સંતોએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, પરિક્રમા એ માત્ર શારીરિક કવાયત નથી પણ આત્મશુદ્ધિ અને સંગઠનનું પર્વ છે. ઉપસ્થિત સંતો ગર્ગાચાર્ય પીઠાધીશ્વર મહેન્દ્રનંદગીરીજી, આત્માનંદ સરસ્વતીજી, અમૃતગિરિબાપુ, મનસુખગીરી બાપુ, રામબલકદાસબાપુ (દુધઈ), પ્રેમબાપુ (સતરંગ), કાશીબાપુ અને વાલજી ભગત (કાળાસર).સહિત અનેક દેહાણ અને ધાર્મિક જગ્યાઓનાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્ય સંદેશ સંતોએ પોતાના પ્રવચનમાં ભારપૂર્વક જણાવ્યું કે હિન્દુ સમાજે જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને સંગઠિત થવું અનિવાર્ય છે. આ ધર્મસભામાં એકતાનો સૂર ગુંજ્યો હતો. તેમજ જાણીતા હાસ્યકાર હકાભા ગઢવી, બિરજુભાઈ બારોટ અને દેવ પગલી સહિતના કલાકારોએ ભક્તિ અને રાષ્ટ્રવાદના રંગે શ્રોતાઓને તરબતર કર્યા હતા. અન્નક્ષેત્ર અને સેવાકીય પ્રવૃત્તિઓ શ્રદ્ધાળુઓની સુવિધા માટે સમગ્ર પરિક્રમા પથ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરબત, તરબૂચ, શેરડીનો રસ અને છાશના ચા – પાણી સહિતના સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા હતા.
નવગ્રહ મંદિરના પ્રાંગણમાં રામકૃપા અન્નક્ષેત્ર દ્વારા હરેશબાપુ શ્રવણ ના માર્ગદર્શન હેઠળ અંદાજે 30 હજારથી વધુ પરિક્રમાર્થીઓને ભાવપૂર્વક ભોજન મહાપ્રસાદ કરાવ્યો હતો. પરિક્રમા માટે જનમેદનીનો અવિરત પ્રવાહ વહેલી સવાર થી મોડી સાંજ સુધી ચાલુ રહેલ અને દોઢ લાખ માઇ ભક્તોએ પરિક્રમા પૂર્ણ કરી હતી. ચોટીલા ચામુંડા ડુંગર ની ચોતરફ આખું વાતાવરણ ’ચામુંડા માત કી જય’ અને ’જય માતાજી’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. લાખો ભાવિકોએ ચામુંડા માતાજી ડુંગર ફરતે ભેદભાવ ભૂલીએ, એકતાની રાહ પકડીએ ના ભાવ સાથે પરિક્રમા સાથે ધર્મની ધજા લહેરાવીએ હતી.
