રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ ખેડૂત વલ્લભભાઈ ગાંડુભાઈ સીદપરાએ વ્યાજખોરી અને મિલકત પચાવી પાડવા મામલે ગોંડલના કુખ્યાત બીટુ જાડેજા તેમજ દિયર અને ભાભી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2006માં દીકરાઓના ભવિષ્ય માટે ખરીદેલી દુકાનો હડપ કરવા માટે માથાભારે બીટુ જાડેજાએ હવાલો લઇ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ છે.
વલ્લભભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2006માં ગોંડલ ગુંદાળા ચોકડી પાસે બે દુકાનો ખરીદવા માટે ગામના જ પરિચિત ડાયાભાઈ રાઘવભાઈ રાંક પાસેથી રૂૂ. 5 લાખ 2 ટકા વ્યાજે લીધા હતા. ડાયાભાઈએ સિક્યુરિટી પેટે દુકાનના દસ્તાવેજમાં પોતાના પરિવારના સભ્યનું નામ જોઈન્ટમાં રખાવ્યું હતું. બાદમાં ધંધો બરાબર ન ચાલતા વ્યાજ ચૂકવી ન શકાતા, 2014માં ડાયાભાઈએ બળજબરીથી ફારગતી દસ્તાવેજ કરાવી લીધો હતો. આ મામલે કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં ડાયાભાઈએ ગત 16/10/24ના રોજ આ દુકાનોનો દસ્તાવેજ કુખ્યાત બીટ્ટુ જાડેજા ઉર્ફે ભાર્ગવરાજસિંહ રઘુરાજસિંહ જાડેજા ના નામે કરી આપ્યો હતો.દુકાનોનો કબજો વલ્લભભાઈ પાસે હોવા છતાં, બીટ્ટુ જાડેજાએ અવારનવાર દુકાને આવી ગાળો આપી, વલ્લભભાઈના દીકરા નિરેશભાઈ અને સાળા પ્રવિણભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફોન પર પણ બીટ્ટુએ ધમકાવતા જણાવ્યું હતું કે, “મેં દુકાનો ભરેલ કબજે ખરીદી લીધી છે, હવે કેમ ખાલી કરાવવી એ હું જોઈ લઈશ.” 5 લાખના વ્યાજ સામે કરોડોની મિલકત લખાવી લેવાનો ખેલ કરવામાં આવ્યો હોય જેમાં બીટુ જાડેજાને હવાલો આપી માથાભારે શખ્સ દ્વારા વૃદ્ધ અને પરિવારને ખતમ કરી નાખવાનો ભય બતાવાયો હતો. બીટ્ટુ જાડેજાની છાપ માથાભારે હોવાથી પરિવાર ભયભીત હતો, પરંતુ આરોપી અન્ય ગુનામાં ભાગતો હોવાથી હિંમત કરી ફરિયાદ નોંધાવી. હાલ પોલીસે વલ્લભભાઈની ફરિયાદના આધારે ડાયાભાઈ રાંક તેમજ ભાનુબને ગીરધરભાઈ રાંક અને બીટ્ટુ જાડેજા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
