રાજસ્થાનથી ગોંડલ આવતો અઢી લાખનો દારૂ બાબરા નજીક ઝડપાયો

અમરેલી જિલ્લામાં બાબરા પોલીસે મોટી કાર્યવાહી કરતા રાજસ્થાનથી ગોંડલ જઈ રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આઇસર ટ્રકના ચોરખાનામાં છુપાવેલો રૂ. 12.75 લાખથી…

અમરેલી જિલ્લામાં બાબરા પોલીસે મોટી કાર્યવાહી કરતા રાજસ્થાનથી ગોંડલ જઈ રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આઇસર ટ્રકના ચોરખાનામાં છુપાવેલો રૂ. 12.75 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં દારૂ, ટ્રક અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ પરમારને અમરેલી જિલ્લામાંથી દારૂ ભરેલું આઇસર પસાર થવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે, કોટડાપીઠા ચેકપોસ્ટ નજીક રાજકોટ હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ આઇસર ટ્રકને રોકીને તપાસ કરતા, વાહનમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 2,275 દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂની બોટલો જેની કિંમત રૂ. 2,70,200 છે, તે ઉપરાંત આઇસર ટ્રક જેની કિંમત રૂ. 10 લાખ છે, અને એક મોબાઇલ ફોન જેની કિંમત રૂ. 5,000 છે, સહિત કુલ રૂ. 12,75,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં આરોપી મનોહરલાલ ચતરારામ ખીલોરી બિશ્નોઇ (રહે. લાછીવાડકા, ગોલીયા, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે. તેની વિરુદ્ધ બાબરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસ મુજબ, દારૂનો આ જથ્થો રાજસ્થાનથી ભરીને ગોંડલ સપ્લાય કરવાનો હતો. આઇસર ટ્રક ડીસાથી ઉપડીને મહેસાણા, છત્રોલા, બગોદરા, ધંધુકા, ગઢડા થઈને બાબરા તાલુકાના કોટડાપીઠા પહોંચ્યું હતું, જ્યાં પોલીસે તેને ઝડપી પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *