બોગસ બિલ્ટી બનાવી દમણથી દારૂ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ

65 ગુનામાં સંડોવાયેલ નામચીન યાકુબ મોટાણીની પૂછપરછમાં દારૂની હેરાફેરી સાથે GST કૌભાંડ ખુલ્યું પારકી કંપનીઓના GST નંબરનો ઉપયોગ કરી દમણથી રાજકોટમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા…

65 ગુનામાં સંડોવાયેલ નામચીન યાકુબ મોટાણીની પૂછપરછમાં દારૂની હેરાફેરી સાથે GST કૌભાંડ ખુલ્યું

પારકી કંપનીઓના GST નંબરનો ઉપયોગ કરી દમણથી રાજકોટમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા યાકુબની ધરપકડ

 

દારૂની હેરાફેરીના સાત ગુનામાં વોન્ટેડ કુખ્યાત બૂટલેગર યાકુબ મુસા મોટાણીને પીસીબીની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી બાતમીના આધારે દબોચી લીધો છે. યાકુબ સામે છેલ્લા 16 વર્ષમાં 65 જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે. પીસીબીની આગવી ઢબે કરાયેલી પૂછપરછમાં દારૂની તસ્કરી માટે અપનાવાયેલી એક નવી અને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે, જેમાં પ્લે સ્ટોરની મોબાઈલ એપ ‘GST INVOICE MANAGER’ નો ઉપયોગ કરી બોગસ બિલ્ટીઓ બનાવી ટ્રાન્સપોર્ટ મારફતે દમણથી લાખો રૂપિયાનો દારૂ રાજકોટ ઘુસાડવામાં આવતો હતો.

પીસીબીના પી.આઈ એમ.આર. ગોંડલિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મૂળ રાજકોટના જામનગર રોડ પર આવેલી વાંકાનેર સોસાયટી શેરી નં. 3 નો રહીશ અને હાલમાં દમણના સેલવાસ નજીક ખાનવેલ ગામે રહેતો યાકુબ મુસા મોટાણી વર્ષ 2008થી વિદેશી દારૂ સપ્લાય કરવાના અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલો છે.
રાજકોટ પોલીસે તેને છેલ્લે 2018-19ના વર્ષમાં પકડ્યો હતો, ત્યારબાદ તે સતત ફરાર હતો અને હાલ સાત ગુનામાં વોન્ટેડ હતો. અગાઉ કાયદાના શિકંજામાંથી બચવા મથતા આ બૂટલેગર સામે 3 વખત ’પાસા’ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. યાકુબે દારૂ સપ્લાય કરવા માટે સમયાનુસાર પોતાની રીતો બદલી હતી. અગાઉ તે ખખડધજ કે ભંગાર થઈ ગયેલા ટ્રક અને ત્યારબાદ ખોટી નંબર પ્લેટ વાળા ટ્રકો મારફતે દારૂ મોકલતો હતો. પરંતુ છેલ્લા ત્રણેક મહિનાથી તેણે એક અનોખી તરકીબ અપનાવી હતી.

તે પોતાના સ્માર્ટફોનમાં પ્લે સ્ટોર પરથી ‘GST INVOICE MANAGER’ એપ ડાઉનલોડ કરીને તેમાંથી કોરી બિલ્ટીઓ મેળવતો હતો. આ બિલ્ટીમાં મોકલનાર સપ્લાયર તરીકે દમણની જાણીતી ફેક્ટરી કે પેઢીના નામ અને તેના સાચા જીએસટી નંબર નાખતો હતો, પરંતુ સંપર્ક માટે મોબાઇલ નંબર પોતાનો જ આપતો હતો. જ્યારે મેળવનાર તરીકે રાજકોટની કોઇપણ બિનઅધિકૃત કે જાણીતી પેઢીનું નામ દર્શાવી દેતો હતો.

આ બોગસ બિલ્ટીના આધારે ટ્રાન્સપોર્ટરો પોતાની સિસ્ટમ મુજબ માલનું બુકિંગ કરી લેતા અને બિલની એક કોપી યાકુબને આપતા હતા. યાકુબ આ કોપી વોટ્સએપ કે અન્ય માધ્યમથી રાજકોટના રિસીવરને મોકલી આપતો, જેના આધારે રિસીવર ટ્રાન્સપોર્ટની કચેરીએ જઈને માલનો જથ્થો છોડાવી લેતો હતો. ટ્રાન્સપોર્ટમાં કાચની બોટલો ભાંગી જવાની શક્યતા હોવાથી યાકુબ દમણની વિવિધ વાઇનશોપમાંથી પ્લાસ્ટિકના ચપલા ખરીદીને જ મોકલતો હતો.

છેલ્લા પાંચ દિવસ દરમિયાન પોલીસે યાકુબે આ મોડસ ઓપરેન્ડીથી મોકલેલો દારૂનો મોટો જથ્થો બે વખત ઝડપી પાડ્યો છે. જેમાં લાલજી મુળજી ટ્રાન્સપોર્ટમાંથી પકડાયેલા જથ્થામાં સપ્લાયર તરીકે દમણની ’ખુશ્બુ બ્યુટીકેર’ અને રિસીવર તરીકે રાજકોટની ’ઉમિયા એજન્સી’ નું નામ વાપરવામાં આવ્યું હતું.બીજા દરોડામાં એસીપીએલ ટ્રાન્સપોર્ટમાંથી પકડાયેલા જથ્થામાં સપ્લાયર તરીકે ’બીટી બિગબજાર’ અને રિસીવર તરીકે ’મેન્સન ઇન્ડસ્ટ્રીઝ’ ના નામનો ઉપયોગ કરાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, જે પેઢી કે ફેક્ટરીઓના નામ અને જીએસટી નંબરનો ઉપયોગ થયો છે, તેમના નિવેદનો લેવાની કાર્યવાહી બાકી છે અને તપાસ બાદ તે તમામને આ કેસમાં સાક્ષી બનાવવામાં આવશે.

પીસીબી દ્વારા નોંધાયેલા બે કેસોમાં યાકુબ મોટાણી સામે દારૂબંધીના કાયદા ઉપરાંત બનાવટી દસ્તાવેજ બનાવવા અને બનાવટી દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરવા અંગે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પીસીબીએ યાકુબ મુસા મોટાણીનો મોબાઈલ ફોન કબજે કરી લીધો છે અને ડિજિટલ પુરાવાઓ એકત્ર કરવા માટે તેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માં મોકલવાની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના પી.આઈ એમ.આર.ગોંડલીયા, પીએસઆઈ પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા , યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, જયેશભાઇ ગઢવીએ કામગીરી કરી હતી.

વાઈન શોપમાંથી ખરીદી કરી પ્લાસ્ટિકના ચપલા જ મોકલતો: GST નંબરવાળા અસલ વેપારીઓને ‘સાક્ષી’ બનાવાશે
દમણથી બનાવટી બિલ્ટી બનાવી ટ્રાન્સપોર્ટ મારફતે રાજકોટમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાના કૌભાંડમાં પકડાયેલા કુખ્યાત બૂટલેગર યાકુબ મુસા મોટાણીની પૂછપરછમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. યાકુબ દમણની અલગ-અલગ વાઇનશોપમાંથી દારૂ એકઠો કરી ટ્રાન્સપોર્ટમાં મોકલતો હતો. ટ્રાન્સપોર્ટેશન દરમિયાન કાચની બોટલો તૂટી જવાની અને શંકા જવાની શક્યતા વધી જતી હોવાથી, તેણે માત્ર પ્લાસ્ટિકના ચપલા જ પાર્સલ તરીકે મોકલવાની નવી ચાલ અપનાવી હતી. બીજી તરફ, પોલીસે જે બે ટ્રાન્સપોર્ટ લાલજી મુળજી અને ACPLમાંથી દારૂનો જથ્થો પકડ્યો હતો, તેમાં સપ્લાયર તરીકે દમણની ખુશ્બુ બ્યુટીકેર તથા બીટી બિગબજાર તેમજ રિસીવર તરીકે રાજકોટની ઉમિયા એજન્સી અને મેન્સન ઇન્ડસ્ટ્રીઝના નામોનો ઉપયોગ થયો હતો. આ તમામ નિર્દોષ વેપારીઓ અને પેઢીઓના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે અને પોલીસ તપાસ બાદ આ તમામને કેસમાં મુખ્ય સાક્ષી બનાવશે. આ ઉપરાંત, યાકુબના કબજે કરાયેલા મોબાઈલમાંથી પ્લે સ્ટોરની એપ ‘GST INVOICE MANAGER’ દ્વારા જનરેટ કરાયેલી અન્ય બોગસ બિલ્ટીઓ તેમજ રાજકોટના સ્થાનિક રિસીવરો સાથેના સંપર્કો અંગેના મહત્ત્વના ડિજિટલ પુરાવાઓ મેળવવા માટે ફોનને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માં મોકલવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *