અમરેલીમાં દાદીને ગાળો ભાંડવાની ના પાડતા મોટાભાઈની નાના ભાઈએ કરી હત્યા

અમરેલી શહેરમાં મોડી રાત્રે નાનો ભાઈ દાદી સાથે થઈ રહેલી બોલાચાલી કરતો હતો. ’તું શું કામ માને કનડે છે?’ કહી વચ્ચે પડેલા યુવકની તેના જ…

અમરેલી શહેરમાં મોડી રાત્રે નાનો ભાઈ દાદી સાથે થઈ રહેલી બોલાચાલી કરતો હતો. ’તું શું કામ માને કનડે છે?’ કહી વચ્ચે પડેલા યુવકની તેના જ સગા ભાઈએ છરી મારી હત્યા કરી દેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. સિવિલ હોસ્પિટલ સામે આવેલા ઝૂંપડા નજીક બનેલી આ ઘટનાની જાણ થતાં જ સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દાદીએ હત્યારા પૌત્ર વિરૂધ્ધ મોટા ભાઈની હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

દાદીને બચાવવા વચ્ચે પડતાં ભાઈએ જ લીધો જીવ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નંદાબેન રમેશ વણોદિયાએ સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, નંદાબેન પોતાના ઝૂંપડા બહાર બેઠા હતા ત્યારે તેમનો પૌત્ર (આરોપી) મયુર મુકેશ વણોદિયા હાથમાં ખુલ્લી છરી લઈને આવ્યો હતો. મયુરે દાદી સાથે બોલાચાલી કરી ’તું આઘી જતી રહે, તને મારી નાખવી છે’ તેમ કહી ગાળો ભાંડી ઝઘડો શરૂૂ કર્યો હતો.

ભાઈને શાંત કરવા ગયોને હંમેશા માટે શાંત થઈ ગયો આ દરમિયાન નંદાબેનનો મોટો પૌત્ર મનોજ મુકેશ વણોદિયા વચ્ચે પડ્યો હતો અને નાના ભાઈને ’તું શું કામ માને કનડે છે?’ તેમ કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મનોજ વચ્ચે પડતાં ઉશ્કેરાયેલા આરોપી મયુરે તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મનોજ આરોપીને પકડીને શાંત પાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે જ સમયે મયુરે તેના હાથમાં રહેલી છરી વડે મનોજના છાતીના ભાગે ઘાતક ઘા ઝીંકી દીધો હતો. ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા મનોજને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ દ્વારા તપાસ શરૂૂ સામાન્ય બાબતમાં સગા ભાઈના હાથે જ ભાઈની હત્યા થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિટી પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકના પરિવારજનોના અલગ-અલગ નિવેદનો નોંધીને આરોપી મયુર વણોદિયા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *