અમરેલી શહેરના ભીડભંજન ચોક સ્થિત હીરક બાગ શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવેલી પટેલ માધવલાલ મગનલાલની કંપની નામની આંગડિયા પેઢીમાં જમીન ખરીદી માટે રાખેલા આશરે બે કરોડ કરતા વધુની રકમ શખ્સો ઉઠાવી ગયાની ઘટના સામે આવી છે. અમરેલીમાં રહેતા અને પેઢીમાં 35 વર્ષથી કામ કરતા કર્મચારી રૂૂપિયાની લાલચમાં આવી પિતા પુત્ર રકમ લઈ ફરાર થઈ ગયા હોવાની પેઢીના સંચાલકે પોલીસમાં ફરિયાદ આપી છે.
ભાવનગરના મહેતા શેરી વિસ્તારમાં રહેતા કૌશિક પટેલની અમરેલી સ્થિત આંગડિયા પેઢીમાં અમરેલીના ગંગાનગર-1, ચક્કરગઢ રોડ વિસ્તારમાં રહેતા કમલેશભાઈ સિંધવ આશરે 35 વર્ષથી અને દિનેશભાઈ સિંધવ 15 વર્ષથી કર્મચારી તરીકે કામ કરતા હતા. જેના કારણે સંચાલકને તેમના પર ભરોસો હોય, તા. 2, 3 અને 5 ઓક્ટોબર, ના ત્રણ દિવસના હિસાબ તથા પેઢીમાં જમા રહેલી રકમ સહિત 2 કરોડ 8 લાખની રકમ જમા હોય આ રકમ જમીનના સોદા માટે ઉપયોગમાં લેવાની હોવાથી ઓફિસમાં જમા રાખી હતી.
જમીન પિતા પુત્રીએજ બતાવી હતી, કોઈ કારણોસર આ જમીનનો સોદો કેન્સલ થયો હતો અને પેઢીના સંચાલક કૌશિક પટેલે રકમ પરત માંગી, પહેલા 1 કરોડ આપવા અને બેદિવસ બાદ બીજા એક કરોડ આપવા જણાવ્યું હતું. પરંતુ આ રકમ તેઓને પરત નહીં મળતા ફોન ઉપર સંપર્ક કર્યો હતો, બંને પિતા પુત્રના ફોન બંધ આવતા તેઓ સાથે વિશ્વાસઘાત થયો હોવાની શંકાએ અમરેલીમાં તપાસ કરી.
તપાસમાં બંને પિતા પુત્ર રૂૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. જેની કૌશિકભાઈ પટેલે ફરિયાદ આપી છે. આ અંગે અમરેલી શહેર પોલીસે કમલેશ દેવાભાઇ સિંધવ અને દિનેશ કમલેશભાઇ સિંધવ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
