લાલ સમુદ્ર વિસ્તારમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યમનના ઝુકાર ટાપુ નજીક દરિયાઈ માર્ગે જઈ રહેલા એક વહાણ પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે વહાણમાં ભીષણ આગ લાગી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આ વહાણ ઓમાનનો ધ્વજ ધરાવતું હતું અને તે SALALAH MARINE TRANSPORT CO. સાથે સંકળાયેલું હતું. ગત 21 ઓક્ટોબરના રોજ બનેલી આ આકસ્મિક ઘટનાના કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ ક્ષેત્રમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
આ ગંભીર કટોકટીની સ્થિતિમાં યમનના સ્થાનિક તંત્ર દ્વારા ત્વરિત અને સરાહનીય બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહાણમાં સવાર તમામ 14 ભારતીય ખલાસીઓ ને હેમખેમ અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ આ બચાવાયેલા તમામ 14 ખલાસીઓ ગુજરાતના જામનગર જિલ્લાના પ્રખ્યાત સલાયા અને સિક્કા ગામ ના વતની હોવાનું સામે આવ્યું છે. રેસ્ક્યુ કર્યા બાદ તમામ ખલાસીઓને હુદૈદાહ વિસ્તારની એક સુરક્ષિત હોટલમાં આશરો આપવામાં આવ્યો છે અને સ્થાનિક પ્રશાસન દ્વારા તેમને ભોજન, કપડાં તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલય અને સંબંધિત દૂતાવાસ સતત સંપર્કમાં હતા. ગત 23 ઓક્ટોબરના રોજ ભારતીય દૂતાવાસે સત્તાવાર રીતે માહિતી આપી હતી કે હુમલાનો ભોગ બનેલા તમામ 14 ભારતીય નાગરિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. હાલ આ ખલાસીઓ કયા રૂૂટ કે માર્ગેથી ભારત અને પોતાના વતન પરત ફરશે તે અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે તેવી સંભાવના છે.
