જામનગર જીલ્લા પંચાયત ના પુર્વસદસ્ય તેમજ જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકા ના વડવાળા ગામના સરપંચ રામશીભાઈ મેપાભાઈ બેરા આજે રવિવારે સવારે પોતાની મોટર સાયકલ લઈ વડવાળા થી માનતા ઉતારવા ગયા હતા, જે દરમ્યાન પરત ફરતી વેળાએ વડવાળા ધોરીયા ના માર્ગ ઉપર આડું બળદ ગાડું રાખી સરપંચપદ માંથી રાજીનામું આપી દે, તેમ કહી છ થી સાત જેટલા શખ્શો દ્વારા ગ્રામ પંચાયત ની ચૂંટણી નો ખાર રાખી લાકડી તેમજ કુહાડીઓથી જીવલેણ હુમલો કરાયો હતો.
દરમિયાન રામશીભાઇ દ્વારા પોતાની પાસે રહેલી રિવોલ્વર માંથી સ્વ બચાવ માટે હવામાં ફાયરીંગ કરતાં તેઓની રિવોલ્વર પણ ઝુંટવીને જીવલેણ હુમલો કરી દીધો હતો. અને રિવોલ્વર લઈને તમામ હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. જેથી રામશીભાઈ ને હાથ અને પગમાં ગંભીર ઇજા થવા પામી છે. અને તેઓને સારવાર માટે સૌપ્રથમ જામજોધપુરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ત્યાં તેઓની સારવાર ચાલી રહી છે. આ હુમલો કરનાર આરોપીઓ પૈકી ના એક આરોપી તાજેતર માં રામશી ભાઇ સામે ગ્રામ પંચાયત ની ચુંટણી લડી હોવાનું સામે આવ્યું છે. જે ચૂંટણીના મન દુ:ખના કારણે આ હૂમલાની ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતની જ્યારે ચૂંટણી યોજાઈ હતી, તે સમયે પણ સરપંચ પદના ઉમેદવાર રામશીભાઈ બેરા દ્વારા ચૂંટણી દરમિયાન વડવાળા ગ્રામ પંચાયતમાં આવેલા ભડાનેશ ના બુથને સંવેદનશીલ બુથની યાદીમાં સમાવેશ કરવાની, અને સીસીટીવી કેમેરા સહિત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે પણ અરજી કરવામાં આવી હતી. આ બનાવને લઈને જામજોધપુર પંથકમાં ભારે હલચલ મચી ગઈ છે. જામજોધપુર પોલીસને જાણ થવાથી જામજોધપુરની પોલીસ ટુકડી સૌપ્રથમ બનાવના સ્થળે ત્યારબાદ જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ આ બનાવ મામલે ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
