ધ્રોલ અને ગાંધીધામમાંથી રૂા.1.4 કરોડનું નકલી ઘી ઝડપાયું

ડ્રગ એન્ડ ફૂડ વિભાગના ધ્રોલની ક્રિષ્ના ટ્રેડિંગ તથા ગાંધીધામની ભારત ફૂડસ ઉપર દરોડા, કાચો માલ સામાન જપ્ત ગુજરાત મિરર, અમદાવાદ તા.13 ખોરાક અને ઔષધ નિયમન…

ડ્રગ એન્ડ ફૂડ વિભાગના ધ્રોલની ક્રિષ્ના ટ્રેડિંગ તથા ગાંધીધામની ભારત ફૂડસ ઉપર દરોડા, કાચો માલ સામાન જપ્ત

ગુજરાત મિરર, અમદાવાદ તા.13
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વિવિધ સ્થળ પર ઘીની રેડ કરવામાં આવી રહી છે. જેમાં વધુ તપાસ થતા ભેળસેળિયા તત્વો દ્વારા મોટા ભાગે ઘીમાં ખાસ પ્રકારનું રિફાઇન્ડ પામ તેલને મુખ્ય ઘટક તરીકે વાપરતાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે.ભેળસેળ અને તેના ઉત્પાદન અંગેની માહિતી એકત્ર કરી અધિકારીઓ દ્વારા આવું ભેળસેળ કરનારા અને તેમની દરેક કડીઓની તપાસ કરતા તેનો છેડો ગાંધીધામ, કચ્છ ખાતેથી મળ્યો હતો.

જેમાં શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂૂપિયા 1.4 કરોડનો માલ જપ્ત કરાયો છે. તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચજી કોશિયાએ જણાવ્યું હતું.ડો.કોશિયાએ વધુમાં કહ્યું હતું કે, મે. ભારત ફૂડ્સ કો-ઓપરેટીવ લિ., ગાંધીધામ, જિ. કચ્છ ખાતેથી ચાર નમૂના અને મે. ક્રિષ્ના ટ્રેડિંગ કો., ધ્રોલ, જામનગર ખાતેથી ચાર નમુના એમ કૂલ આઠ નમુના તંત્રના દરોડામાં લઇ ચકાસણીમાં અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

બાકીનો આશરે 69 ટનથી વધુનો જથ્થો કે જેની કિંમત આશરે રૂૂપિયા 1.4 કરોડ જેટલી થાય છે તે જાહેર જનતાના આરોગ્યની સલામતી માટે જપ્ત કરી ઘી માં ભેળસેળ થતી અટકાવવામાં આવી છે.તેમણે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે 11મી નવેમ્બર 2025ના રોજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુખ્ય મથકની ફૂડ ટીમને આવા ભેળસેળિયા તત્વોને શોધવામાં સફળતા મળી હતી. જેના પગલે ગાંધીધામ ખાતે આવેલ ભારત ફૂડ્સ કો-ઓપરેટીવ લિમાં (FSSAI License No: 10013021000623) રેડ કરતા 2 રિફાઇન્ડ પામ તેલ(RPO), 1 સવેરા બ્રાન્ડ રિફાઇન્ડ પામ તેલ (RPO) અને 1 વનસ્પતિના એમ કુલ 4 (ચાર) નમૂનાઓ વેપારી અખિલેશકુમર ક્રિશ્નપલ સિંઘની હાજરીમાં લેવામાં આવ્યા હતા. જેમાં તપાસ દરમિયાન તમામ શંકાસ્પદ 67 ટન રિફાઇન્ડ પામ તેલ (RPO) જેની અંદાજે કિંમત રૂૂપિયા 1.32 કરોડથી વધુ થવા જાય છે તેનો તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ મામલે આગળની તપાસ ચાલુ છે.

તેમણે કહ્યું હતું કે, પેઢીમાં રિફાઇન્ડ પામ તેલ (RPO) સવેરા બ્રાન્ડથી 15 કિગ્રાના પેકીંગમાં ઉત્પાદન કરી વેચાણ થતુ હતું અને લુઝમાં ટેન્કર મારફતે માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું. આથી સ્થળ પર તેઓને લુઝમાં ટેન્કરથી વેચાણ ન કરવા જાહેર આરોગ્યના હિતમાં નોટીસ આપવામાં આવી છે.આ ઉપરાંત તંત્ર દ્વારા ઘીનું ઉત્પાદન કરતી મે. ક્રિષ્ના ટ્રેડિંગ કો., ધ્રોલ, જામનગર ખાતે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ પરથી ઘીમાં સોયાબીન અને વનસ્પતિનું ભેળસેળ કરતા ઇસમોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જેના આધારે આ એકમ પરથી વેપારી ભરત ખિમસુરિયાની હાજરીમાં ઘીના બે, વનસ્પતિના એક અને સોયાબીન તેલના એક એમ કુલ ચાર નમૂના લેવામાં આવ્યા છે.જ્યારે બાકીનો બે ટન જેટલો ખાદ્ય પદાર્થ કે જેની અંદાજીત કિંમત રૂૂપિા 5.8 લાખ જેટલી થવા જાય છે તે જથ્થો જાહેર જનતાના આરોગ્યના હિતમાં સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો છે. વધુમાં તંત્ર દ્વારા મે. ક્રિષ્ના ટ્રેડિંગ કો.નું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.

ડ્રગ એન્ડ ફૂડ વિભાગમાંથી વર્ષો બાદ ડો.કોશિયાની વિદાય

સરકારે કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરતા ડ્રગ કમિશનરનો ચાર્જ ગઢવીને સોંપાયો
ગુજરાત રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનર તરીકે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલના હેલ્થ કમિશનર રતનકવર ગઢવી ચારણને ફૂડ અને ડ્રગ કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ નિમણૂક સાથે, તેઓ રાજ્યમાં આરોગ્ય અને ખોરાક તથા દવા સંબંધિત તમામ બાબતોનું સંચાલન સંભાળશે. આ પહેલાં આ પદ પર ફરજ બજાવતા એચ.જી.કોશિયાનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો નથી, જેના કારણે આ જગ્યા ખાલી પડી હતી. આ પદ ઉપર એચ.જી.કોશિયાએ ઘણા વર્ષો સુધી આ વિભાગનું નેતૃત્વ કર્યું હતું અને તેમના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ પગલાં લેવાયા હતા. પરંતુ કોન્ટ્રાક્ટ રિન્યુ ન થવાના કારણે તેમના કાર્યકાળનો અંત આવ્યો છે. હવે નવા કમિશનર રતનકવર ગઢવી ચારણ પાસેથી ખોરાકમાં થતી ભેળસેળ, નકલી દવાઓનું વેચાણ અને અન્ય ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરશે તેવી આશા રાખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *