શીતલ પાર્ક પાસે આવેલા ભારતીનગરમાં આર.એમ.સી કર્મીના મકાનમાંથી રૂૂ.1.40 લાખ રોકડની ચોરી થઇ હતી. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે પાડોશમાં રહેતા મિત્રને ઝડપી લઇ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. જાણવા મળતી વિગત મુજબ ભારતીનગર શેરી નંબર-4 માં રહેતા ધર્મેશગીરી નાનુગીરી ગૌસ્વામી (ઉ.વ 45) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શીતલ પાર્ક પાસે રાજકોટ કોર્પોરેશનની ઓફિસમાં નોકરી કરે છે. એક મહિના પૂર્વે તેનો પુત્ર અભિષેક તેના સાળા મનીષગીરી કનુગીરી ગૌસ્વામી પાસેથી હાથ ઉછીના રૂૂપિયા 1.40 લાખ રોકડ લાવ્યો હતો. જે રૂૂમમાં રહેલા કબાટના ખાનામાં કપડાની બેગમાં રાખ્યા હતા. બાદમાં ગઇ તા. 31/8 ના રોજ રાત્રિના પરિવાર ગણેશમોહત્સવ હોવાથી શેરીમાં માતાજીનુ આખ્યાન હોય ત્યાં ગયા હતા. માતાજીના આખ્યાનમાં આવેલ ડેકોરેશન વાળાને પૈસા ચૂકવવાના હોય જેથી કબાટમાં રાખેલ પૈસા લેવા જતા ચોરી થયાની જાણ થઇ હતી. જે અંગે ગાધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ ચોરીની આ ઘટનાને લઇ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી બી.બી. બસીયાની સુચના હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શનમાં પીએસઆઇ એ.એસ.ગરચર તથા એઅસઆઇ અનિલભાઇ સોનારા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી ફરિયાદીના પાડોશમાં જ રહેતા લખન જીતેન્દ્ર ધેડિયાને ઝડપી લઇ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલ નાખ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ કબજે કરી હતી. બનાવના દિવસે આખ્યાન ચાલુ હોય અને ફરિયાદીનું ઘર ખુલ્લું હોવાથી તક મળતા જ પાડોશી મિત્રએ જ હાથફેરો કરી લીધો હતો. આરોપી આરો પ્લાન્ટનો વ્યવસાય કરતો હોવાનું જાણવા મળ્યું છે.
