રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એકનું મોત નિપજ્યું હતું. દૂધસાગર રોડ પર રહેતાં રીક્ષા ચાલક પ્રૌઢને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, સામાકાંઠે દૂધસાગર રોડ પર જુલેલાલ મંદિરવાળી શેરીમાં રહેતાં કિરીટભાઈ ગાજીભાઈ રાઠોડ (ઉ.56) નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. તબીબો દ્વારા હાર્ટએટેક આવતાં મરણ ગયાનું જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ બે બહેનમાં નાના અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બનાવમાં ગોંડલ રોડ પર લોધેશ્ર્વર સોસાયટીમાં રહેતાં કિશોરભાઈ શંકરભાઈ જરીયા (ઉ.42) નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે બેભાન થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
