થોરાળાની નામચીન શામજી મકા ગેંગ સામે ગુજસીટોક

ટોળકીના 12 સભ્યો વિરૂદ્ધ 10 વર્ષમાં હત્યા-લૂંટ-દુષ્કર્મ સહિતના 37 ગુના, ગેંગના 8 સભ્યોની ધરપકડ, લીડર શામજી મકા સહિત ચાર શખ્સોની શોધખોળ થોરાળા વિસ્તારની કુખ્યાત શામજી…

ટોળકીના 12 સભ્યો વિરૂદ્ધ 10 વર્ષમાં હત્યા-લૂંટ-દુષ્કર્મ સહિતના 37 ગુના, ગેંગના 8 સભ્યોની ધરપકડ, લીડર શામજી મકા સહિત ચાર શખ્સોની શોધખોળ

થોરાળા વિસ્તારની કુખ્યાત શામજી મકા ગેંગ વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચની ટીમે સપાટો બોલાવી હત્યા, અપહરણ, દુષ્કર્મ સહિતના ગુના સાથે સંકળાયેલી ગેંગના 12 સાગરીતો વિરુદ્ધ પોલીસે ગુજસીટોક હેઠળ કડક ગુનો નોંધી 8 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ફરાર થયેલ ગેંગના લીડર શામજી મકા સહીત 4 આરોપીને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાંચની ટીમે શોધખોળ કરી આગળની કાર્યવાહી તેજ કરી છે.

આ અંગે પત્રકાર પરિષદમાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું કે થોરાળા વિસ્તારમાં માધવકુંજ મકાન, ગોકુલપરા શેરી નં.6માં રહેતો શામજી ઉર્ફે શામો મકાભાઈ મકવાણાએ ગેંગ બનાવી તેમાં 11 શખસોને સામેલ કર્યા હતા. શામજી મકા ગેંગ બની ગયા બાદ તેના દ્વારા 2016થી 2025 દરમિયાન આ ગેંગે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, દુષ્કર્મ, અપહરણ, પોલીસ સહિતના સરકારી કર્મચારીઓ પર હુમલા સહિતના 22 પ્રકારના ગંભીર સહિત કુલ 37 ગુનાને અંજામ આપ્યો હતો. થોરાળા વિસ્તારમાં આતંક મચાવી લોકોને ભય બતાવી ગુના આચરતી આ ટોળકીથી થોરાળા વિસ્તારના લોકં ત્રાસી ગયા હતા.આ ગેંગની કુંડળી મેળવી હતી. જેમાં 22 ગંભીર ગુના ગુજસીટોકની વ્યાખ્યામાં આવતા હોવાથી ક્રાઇમ બ્રાંચના એસીપી બી.બી. બસીયા, સાથે પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ સાથે પીએસઆઇ ચંદ્રસિંહ જાડેજાએ દરખાસ્ત તૈયાર કરી હતી. ગુજસીટોકનો ગુનો નોધવામાં આવ્યો હતો. ગેંગનાં આઠ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

જેમાં દેવશી મકાભાઇ મકવાણા, દિલીપ ઉર્ફે દિલો પ્રેમજી ચૌહાણ, ચિરાગ ઉર્ફે ભયલુ શામજી મકવાણા, કિરણ મોહનભાઇ ખીમસુરીય, અજય રાજુભાઇ જાદવ, ગૌતમ ઉર્ફે ગોગો ધરમભાઇ બારૈયા, નાગેશ ઉર્ફે લાલો શામજી મકવાણા અને મેહુલ કનુભાઇ સોલંકીનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ થોરાળા વિસ્તારમાં રહે છે. જયારે મુખ્ય આરોપી શામજી ઉર્ફે સમા મકવાણા, કેવલ સોંદરવા, રોહિત ઉર્ફે બાઠી રાઠોડ અને હરેશ ખીમસુરીયા ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

છેલ્લા 10 વર્ષનો ગેંગના ગુનાહિત ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો આરોપી દેવશી મકાભાઈ મકવાણા વિરુધ્ધ 6 ગુના, દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ વિરુધ્ધ 8 ગુના, ચિરાગ ઉર્ફે ભયલુ વિરુધ્ધ 4 ગુના, કિરણ ખીમસુરીયા વિરુધ્ધ 2 ગુના, અજય જાદવ વિરૂૂદ્ધ 4 ગુના, ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા વિરુધ્ધ 2 ગુના, નાગેશ ઉર્ફે લાલો મકવાણા વિરુધ્ધ 5 ગુના, મેહુલ કનુભાઈ સોલંકી વિરુધ્ધ 4 ગુના, શામજી ઉર્ફે સમા મકવાણા વિરુધ્ધ 12 ગુના, કેવલ સોંદરવા વિરુધ્ધ 10 ગુના, રોહિત ઉર્ફે બાઠી રાઠોડ વિરુધ્ધ 5 ગુના અને હરેશ ખીમસુરીયા વિરુધ્ધ 4 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે ગેંગમાં સામેલ 60 વર્ષીય દેવી મકાભાઈ મકવાણા કે જે સૂત્રધાર શામજીનો ભાઈ છે તે આ ઉંમરે પણ ગુનાખોરી આચરતા અચકાતો ન હોય હવે તેણે લાંબો સમય જેલની હવા ખાવાનો વખત આવ્યો છે. એટલું જ નહિ આ તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી મેળવેલી ગેરકાયદે મિલ્કતો ટાંચમાં લેવા અને અનધિકૃત બાંધકામ તોડી પાડવા સહીત કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

ગુંડાઓ સામે ક્રાઈમ બ્રાંચની સર્જીકલ સ્ટ્રાઈક, છ મહિનામાં છ ગેંગના 81 આરોપી જેલમાં
ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાના એસીપી ક્રાઇમ ભરત.બી. બસીયા સાથે ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ. જાદવના કાર્યકાળ દરમિયાન છેલ્લા છ જ માસમાં છ ગેંગ સામે ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં પેંડા ગેંગના 17 આરોપી, મુર્ગા ગેંગના 21 આરોપી,બાટલી ગેંગના 14 આરોપી, ઓડિયા ગેંગના 10 આરોપી,ઇભલા ગેંગના 7 આરોપી અને શામજી મકા ગેંગ 12 આરોપી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હજુ ત્રણ ગેંગ ક્રાઇમ બ્રાંચના રડારમાં છે. આ 3 ગેંગ સામે આવનાર સમયમાં ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાંચે તખ્તો તૈયાર કર્યો છે.

ગુજસીટોકની કામગીરી કરનાર પોલીસ ટીમ
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા,ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબની સુચના હેઠળ એસીપી ક્રાઇમ ભરત.બી. બસીયા સાથે ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ. જાદવ, પીએસઆઈ સી.બી. જાડેજા, તથા જનકભાઇ ફુગસીયા, પ્રતિકસિંહ રાઠોડ, દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. તેમજ ગેંગના સભ્યોને પકડવામાં ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી. ડોડીયા, એ.એન. પરમાર, આર.કે. ગોહિલ, ડી.પી. ઝાલા, એસ.વી. ચુડાસમાની તમામ ટીમ તેમજ એસ.ઓ.જી.ના પીએસઆઈ વી.કે. ઝાલા અને તેમની ટીમ તેમજ થોરાળાના પી.આઈ એસ.પી. સોઢા સાથે પીએસઆઈ એન.આર. ડોબરીયા, એમ.એસ. મહેશ્વરી, એ.પી. રત્ન સાથે થોરાળા પોલીસની ટીમે મહત્વની કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *