ખાંભા તાલુકાના કંટાળામાં જમીનના વિવાદમાં ભાઈના હાથે ભાઈની હત્યા

લોહિયાળ જંગમાં વચ્ચે પડેલ મૃતકની પત્ની અને અન્ય મહિલા પર પણ હિંસક હુમલો : પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાંથી એક…

લોહિયાળ જંગમાં વચ્ચે પડેલ મૃતકની પત્ની અને અન્ય મહિલા પર પણ હિંસક હુમલો : પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. કંટાળા ગામે જમીનની ભાગબટાઈના નજીવા વિવાદમાં સગા મોટા ભાઈ અને તેના પરિવારે થઈને નાના ભાઈની નિર્મમ હત્યા કરી નાખતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ લોહીયાળ જંગમાં વચ્ચે પડેલા મૃતકની પત્ની અને અન્ય એક મહિલા પર પણ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના અંગે ખાંભા પોલીસમથકે હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઘટનાની મળતી વિગત મુજબ, કંટાળા ગામે રહેતા સોંદરવા પરિવારમાં માતાના નામે આશરે ત્રણ વીઘા જેટલી જમીન આવેલી છે. આ જમીનની ભાગબટાઈ કરવા મુદ્દે પરિવારના સભ્યો વચ્ચે લાંબા સમયથી મનદુ:ખ અને આંતરિક વિવાદ ચાલતો હતો. જમીનના હજુ સુધી કોઈ સત્તાવાર ભાગ પડ્યા ન હોવા છતાં, ગત (3 જૂન) મોડી રાત્રે મોટા ભાઈ નાનજીભાઈ સોંદરવા વિવાદિત જમીનમાં ટ્રેક્ટર ચલાવવા માટે પહોંચ્યા હતા.

મોટા ભાઈ નાનજીભાઈને ખેતરમાં રોટાવેટર ચલાવતા જોઈ નાના ભાઈ રાઘવ ભગવાનભાઈ સોંદરવા (ઉં.વ. 48) ત્યાં દોડી ગયા હતા. તેમણે નાનજીભાઈને ટોકતાં જણાવ્યું હતું કે, પહેલાં આ જમીનના કાયદેસર ભાગ પાડો અને પછી જ રોટાવેટર હાંકો.

નાના ભાઈની આ વાત સાંભળી મોટા ભાઈ નાનજીભાઈએ એકદમ ઉશ્કેરાઈને જણાવ્યું હતું કે, અમે તો રોટાવેટર હાંકીશું અને વાવીશું પણ ખરા. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી અને મામલો બિચક્યો હતો.

જમીન વિવાદને લઈને મામલો વધુ બિચકતાં જ ઝઘડાએ અત્યંત ઉગ્ર અને હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું. નાનજીભાઈ અને તેમનો પરિવાર અગાઉથી જ મનમાં વેર રાખીને ઘાતકી હથિયારો સાથે ધસી આવ્યો હતો.
આરોપીઓએ એકસંપ થઈને “આજે તો તને પતાવી જ દેવો છે” તેવી બૂમો પાડી રાઘવભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જેમાં આરોપી નાનજીભાઈએ લાકડીના સખત ઘા ઝીંકવાનું શરૂૂ કર્યું હતું, જ્યારે બીજા આરોપી નરશીભાઈએ પોતાના હાથમાં રહેલા ખરપિયા વડે રાઘવભાઈના શરીર પર આડેધડ ત્રણથી ચાર ઘા મારી દીધા હતા.

આટલેથી ન અટકતા, આરોપી રાજુભાઈએ પણ અત્યંત ક્રૂરતા દાખવી પોતાના હાથમાં રહેલી કુહાડીના બે જીવલેણ ઘા રાઘવભાઈના માથાના પાછળના ભાગે તેમજ પગ પર મારી તેમને લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢાળી દીધા હતા.

કુહાડીના ઘા વાગતા જ રાઘવભાઈ લોહીલુહાણ હાલતમાં દર્દથી કણસતા હોવા છતાં નરાધમ આરોપીઓએ લાકડી, કુહાડીની મુંધરટી, ખરપિયો તેમજ જાડા વાયર વડે બેરહેમીથી માર મારવાનું ચાલુ રાખ્યું હતું
પતિ રાઘવભાઈને લોહીલુહાણ થતા જોઈ તેમને બચાવવા માટે તેમના પત્ની અને પડોશી આરતીબેન વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન આરોપી પક્ષની મહિલાઓ કાંતુબેન અને ગીતાબેને પણ હાથમાં લાકડીઓ લઈ આ બંને મહિલા પર હુમલો કરી દીધો હતો, જેના કારણે તેમને પીઠ અને હાથના ભાગે ગંભીર મૂઢ ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરો જતાં-જતાં “હવે પછી આ ખેતરમાં પગ મૂક્યો છે તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. હાલમાં ખાંભા પોલીસ મથકે બંને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે હત્યા અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી, ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *