અમરેલી જિલ્લાના સરંભડા ગામના વતની અને સેવાભાવી યુવાન રૂૂશીલભાઈ ભીખુભાઈ દાફડા (ઉંમર 25)નું ગત રાત્રિના સમયે એક માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રૂૂશીલભાઈ પોતાનું બાઈક લઈને અમરેલી તરફ જઈ રહ્યા હતા ત્યારે રાત્રિના આશરે બે વાગ્યાની આસપાસ વાંકીયા ગામ પાસે કોઈ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે તેઓ ગંભીર હાલતમાં રસ્તા પર પડેલા મળી આવ્યા હતા. અજાણ્યા વાહનની ટક્કર કે અન્ય કોઈ કારણોસર સર્જાયેલા આ અકસ્માત બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે અમરેલીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક રૂૂશીલભાઈ અમરેલી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને લોકોની સેવા કરતા હતા. તેમના પિતા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રૂૂશીલભાઈ પોતાના ત્રણ બહેનો અને બે ભાઈઓના પરિવારમાં સૌથી નાના અને લાડકવાયા હતા.
એક આશાસ્પદ અને ભણેલા-ગણેલા દીકરાના અકાળે અવસાનથી દાફડા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પ્રાથમિક તપાસમાં આ મામલો માર્ગ અકસ્માતનો હોવાનું જણાય છે, પરંતુ રાત્રિના સમયે બનેલી આ ઘટના પાછળનું સચોટ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના સાથી કર્મચારીઓ અને ગ્રામજનોમાં પણ આ ઘટનાને પગલે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
