રાજુલામાં વૃદ્ધ પાસેથી દાગીનાની લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલા નજીક વૃદ્ધ પાસેથી સોનાના બટનની લૂંટનો ગુનો અમરેલી એલસીબી ટીમે ઉકેલી કાઢ્યો છે. પોલીસે લૂંટના બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.…

અમરેલી જિલ્લાના રાજુલા નજીક વૃદ્ધ પાસેથી સોનાના બટનની લૂંટનો ગુનો અમરેલી એલસીબી ટીમે ઉકેલી કાઢ્યો છે. પોલીસે લૂંટના બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ગુનો ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયો હતો.

આ ઘટના 19 માર્ચ, 2026ના રોજ સાંજે આશરે 5 વાગ્યે રાજુલા તાલુકાના માંડલ ગામના 82 વર્ષીય દુલાભાઈ ભગવાનભાઈ નકુમ સાથે બની હતી.અજાણ્યા આરોપીઓએ તેમને મોટરસાયકલમાં બેસાડી ઘર સુધી મૂકી જવાની વાત કરી હતી. જોકે, રસ્તામાં થોડે દૂર ઉતારી, ધમકી આપી અને માર મારીને તેમની પાસેથી આશરે 2 તોલા વજનના સોનાના ત્રણ બટન, જેની કિંમત અંદાજે રૂૂ. 2.5 લાખ હતી, તે લૂંટીને નાસી ગયા હતા. આ મામલે ડુંગર પોલીસ સ્ટેશનમાં ઇગજ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ભાવનગર રેન્જ આઈજીપી આર.વી. અસારી અને અમરેલી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ટેક્નિકલ સોર્સ અને બાતમીના આધારે પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં રાજુલાના સુજલ ઉર્ફે હુડી રાજુભાઈ સોલંકી (ઉં.વ. 20) અને સોનુ ઉર્ફે ભુરો કિશનભાઈ સોલંકી (ઉં.વ. 25)નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી 9.380 ગ્રામ વજનના સોનાના 3 બટન (કિંમત રૂૂ. 1,21,000) અને લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિંમત રૂૂ. 30,000) જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલ કુલ મુદ્દામાલની કિંમત રૂૂ. 1,51,000 છે.

બંને આરોપીઓ સામે અગાઉ પણ ચોરી, લૂંટ અને અન્ય ગુનાઓ હેઠળ રાજુલા તથા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે. આ સફળ કામગીરી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ચાવડા તથા તેમની ટીમ, જેમાં એમ.ડી. ગોહિલ, જે.ડી. વાઘેલા અને અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે, દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *