ગોંડલના જેતપુર રોડ પર રહેતા અને વ્યવસાયે ઈમ્પોર્ટ-એક્સપોર્ટની ઓફિસ ધરાવતા 26 વર્ષીય આશાસ્પદ યુવાન મીત રાજેશભાઈ ઠૂંમરે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન દમ તોડ્યો છે. એક વર્ષ પૂર્વે જ પિતાએ આપઘાત કર્યો હતો, ત્યારે હવે જુવાનજોધ દીકરાના મોતથી ઠૂંમર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
મળતી માહિતી મુજબ, જેતપુર રોડ પર શિવ નગર (દાસી જીવણ પાર્ટી પ્લોટ સામે) રહેતા મીત રાજેશભાઈ ઠૂંમર (ઉ.વ. 26) એ ગત સોમવારે સાંજના સુમારે સિવિલ હોસ્પિટલના પુલ પર ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ મીતે પોતે જ તેની માતાને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ મીતના કાકા અને પિતા સમાન વડીલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેને ગંભીર હાલતમાં ગોંડલની ડો. સુખવાલા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.
હોસ્પિટલમાં મીતની જિંદગી બચાવવા તબીબો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સતત 7 દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ, મોડી રાત્રે મીતે અંતિમ શ્વાસ લેતા હોસ્પિટલના બિછાણે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.
મૃતક મીત તેના પરિવારનો એકનો એક દીકરો હતો. પરિવારમાં તેની એક પરણિત બહેન છે. ઉલ્લેખનીય છે કે, બરાબર એક વર્ષ પહેલા જ મીતના પિતા રાજેશભાઈએ ધારેશ્વર મંદિર પાસે આવેલી પોતાની વાડીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પિતાના ગયાના એક જ વર્ષમાં એકના એક દીકરાએ પણ જીવ ગુમાવતા માતા અને પરિવારજનો પર જાણે વજ્રપાત થયો છે.
ચર્ચાઈ રહેલી વિગતો મુજબ, મીત પરણિત હતો પરંતુ છેલ્લા એક મહિનાથી તેની પત્ની રિસામણે હતી. આ અગાઉ પણ મીતે જીવન ટૂંકાવવાના પ્રયાસો કર્યા હતા એક મહિના પહેલાદવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 7 મહિના પહેલા રાજકોટ ખાતે સાસરિયાના ઘરે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વ્યવસાયે સફળ અને યુવાન વયે ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામકાજ સંભાળતા મીતના આ પગલાથી સમગ્ર જેતપુર રોડ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
