ખનન માફિયાઓના ત્રાસથી ઝેર પી લેનાર યુવકનું મોત, લાશ સ્વિકારવાનો ઈન્કાર

આરોપીઓ સામે ખૂનનો ગુનો નોંધી પકડાય નહીં ત્યાં સુધી લાશ નહીં સ્વિકારવાની પરિવારની જાહેરાત અન્ય બે ભાઈઓની હાલત પણ ગંભીર, વાંકાનેર તાલુકાના મહિકા ગામના જમીનના…

આરોપીઓ સામે ખૂનનો ગુનો નોંધી પકડાય નહીં ત્યાં સુધી લાશ નહીં સ્વિકારવાની પરિવારની જાહેરાત

અન્ય બે ભાઈઓની હાલત પણ ગંભીર, વાંકાનેર તાલુકાના મહિકા ગામના જમીનના વિવાદમાં ગંભીર વળાંક

વાંકાનેરના મહિકા ગામે પંચાયતની જમીન ઉપર લીઝ રાખી 50 વર્ષથી ખેતી કરતાં પરિવારને ખનીજ માફીયાઓેએ ‘આ લીઝ અમારી છે ખાલી કરી જતાં રહો’ તેમ કહી અવારનવાર ધાક ધમકી આપી મારકુટ કરતાં હતાં. ખનીજ માફીયાઓના ત્રાસથી કંટાળી ત્રણ કૌટુંબીક ભાઈઓએ વાડીએ સજોડે ઝેરી દવા પી લીધી હતી. જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. જ્યારે અન્ય બે યુવકની હાલત પણ ગંભીર છે. ખનીજ માફીયાઓ વિરૂધ્ધ ગુનો નોંધી પકડાઈ નહીં ત્યાં સુધી લાશ સ્વિકારવાનો પરિવાર દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો છે અને ખનીજ માફીયાઓ સાથે મામલતદાર સાંઠગાંઠ ધરાવતા હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતાં કલ્પેશભાઈ વિનોદભાઈ બાંભણીયા (ઉ.23), તેનો નાનો ભાઈ વિશાલ વિનોદભાઈ બાંભણીયા (ઉ.20) અને કૌટુંબીકભાઈ યશ હરીભાઈ બાંભણીયા (ઉ.18) ગઈકાલે સવારના અરસામાં મહિકા ગામની સીમમાં નદીકાંઠે આવેલી પોતાની વાડીએ હતાં ત્યારે ત્રણેય યુવાન સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યશ બાંભણીયાએ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જ્યારે હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા સગા બે ભાઈઓની હાલત પણ હાલ ગંભીર છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક યશ બાંભણીયા બે ભાઈમાં મોટો છે અને તેના પિતા માનસિક બિમારીમાં સપડાયા છે. સારવાર લઈ રહેલા કલ્પેશ અને વિશાલના પિતા વિનોદભાઈ બાંભણીયા પંચાયતની જમીન 50 વર્ષથી લીઝ પર રાખી ખેતી કામ કરે છે અને પંચાયતને આ જમીનનું રૂા.15 ભાડુ ચુકવે છે.આ વિસ્તારમાં નદી કાંઠે ખનીજ માફીયાઓએ લીઝ રાખી હોય અને તેમની ખેતીની જમીન પચાવી પાડવા માટે છેલ્લા એક મહિનાથી ત્રાસ આપતાં હોય ખનીજ માફીયાઓ આ રેતીની લીઝ અમારી છે. તમે ખાલી કરીને જતાં રહો તેમ કહી અવારનવાર ધાક ધમકી આપી મારકુટ કરતાં હતાં. ખનીજ માફીયાઓના ત્રાસથી કંટાળી ત્રણેય કૌટુંબીક ભાઈઓએ સજોડે ઝેરી દવા પી લેતાં યશ બાંભણીયાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ખનીજ માફીયાઓના ત્રાસથી ત્રણ યુવકે સજોડે ઝેરી દવા પી લેતાં એક યુવકનું મોત નિપજતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે કોળી પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને મૃતક યુવકના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ, મામલતદાર, અને સર્કલ ઓફિસર રવિરાજસિંહ ઝાલા ખનીજ માફીયાઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે. ત્રણેય યુવકને ઝેરી દવા પીવા મજબુર કરનાર ભરત વિઠ્ઠલ ચાવડા, વિઠ્ઠલ મોતી ચાવડા, ગોબર ભરવાડ, સરપંચ હનીફ આમદ બાદી સામે હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં નહીં આવે તો લાશ સ્વિકારવાનો પરિવાર દ્વારા ઈન્કાર કરી દેવામાં આવ્યો છે. પરિવાર દ્વારા સનસનીખેજ આક્ષેપ કરવામાં આવતાં સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે તાત્કાલીક પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

મામલતદાર પણ ખનીજ માફિયાઓ સાથે મળેલા હોવાનો આરોપ
મહિકા ગામે ખનીજ માફીયાઓના ત્રાસથી કંટાળેલા ત્રણ કૌટુંબીક ભાઈઓએ સજોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં એક યુવકનું મોત નિપજતાં ચકચાર મચી જવા પામી હતી. મૃતકના પરિવાર દ્વારા ખનીજ માફીયાઓ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવાની માંગ સાથે લાશ સ્વિકારવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ પરિવાર દ્વારા મહિકા ગામના સરપંચ, પોલીસ, સર્કલ ઓફિસર અને મામલતદાર ખનીજ માફીયાઓ સાથે સાંઠગાંઠ ધરાવતાં હોવાનું સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગઈકાલે ત્રણેય યુવાને સજોડે ઝેરી દવા પી લીધા બાદ સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્રણેય યુવાન ગઈકાલે ભાનમાં હતાં છતાં મામલતદાર દ્વારા ત્રણેય યુવકનું ડીડી લેવામાં આવ્યું નથી અને હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી નથી. જેથી મામલતદાર અને પોલીસ બન્ને ખનીજ માફીયાઓ સાથે મળેલા હોવાનું આરોપ મુકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *