ખંભાળિયાના પાદરમાં રાત્રિના સમયે એક મોટરસાયકલ પર જઈ રહેલા પિતા-પુત્રીના બાઈકને આ માર્ગ પર ગફલતભરી રીતે આવી રહેલા નંબર પ્લેટ વગરની એક મોટરકારના ચાલકે ઠોકરે લેતા યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલી તેમની પુત્રીને પણ ઈજાઓ થવા પામી હતી.
આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં રામનગર વાડી વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ સવજીભાઈ ચોપડા નામના સતવારા યુવાન તેમની પુત્રી પાયલબેનને સાથે લઈને તેમના જી.જે. 37 એચ. 4490 નંબરના મોટરસાયકલ પર બેસીને ગુરુવારે રાત્રિના આશરે 12 વાગ્યાના સમયે તેમના સસરાના ઘરેથી પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે ખંભાળિયામાં ભાણવડ માર્ગ તરફ જતા ગરેડામાં નવચેતન સ્કૂલ તરફ જતા માર્ગે પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી નંબર પ્લેટ વગરની એક મારુતિ કારના ચાલકે અશ્વિનભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં અશ્વિનભાઈને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા તેમને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ ઉપરાંત તેમની સાથે જઈ રહેલી તેમની પુત્રી પાયલને પણ ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશ્વિનભાઈ ચોપડાના મૃતદેહનું અહીંની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતક અશ્વિનભાઈના ભાઈ કિરીટભાઈ સવજીભાઈ ચોપડા (ઉ.વ. 41, રહે. ગુંદમોરા સીમ, રામનગર) ની ફરિયાદ પરથી નંબર પ્લેટ વગરની કારના ચાલક નિલેશ હરદાસ ગોરીયા (રહે. રામનાથ સોસાયટી, ખંભાળિયા) સામે બીએનએસ તેમજ એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
વીજશોક
ખંભાળિયા તાલુકાના મહાદેવીયા ગામે રહેતા રાજશીભાઈ નગાભાઈ કોટા નામના 48 વર્ષના યુવાનને ગઈકાલે શુક્રવારે તેમની વાડીએ જોરદાર ઇલેક્ટ્રીક કરંટ લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના નાનાભાઈ ગોવાભાઈ કોટાએ અહીંની પોલીસને કરી છે.
