ગોંડલના વેપારીએ અમદાવાદ મોકલેલા 7 લાખના ચણા બારોબાર વેચી નાખ્યા

ગોંડલ માર્કેટિંગ યાર્ડના એક વેપારીએ અમદાવાદ મોકલેલ રૂૂ.7 લાખના ચણાનો જથ્થો બારોબાર વેચી નાખ્યાનો બનાવ બનતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં ટ્રક ડ્રાઇવર…

ગોંડલ માર્કેટિંગ યાર્ડના એક વેપારીએ અમદાવાદ મોકલેલ રૂૂ.7 લાખના ચણાનો જથ્થો બારોબાર વેચી નાખ્યાનો બનાવ બનતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં ટ્રક ડ્રાઇવર અને ટ્રાન્સપોર્ટ સંચાલકે મીલીભગત કરી લાખો રૂૂપિયાના માલનો વિશ્વાસઘાત કર્યાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિંમતનગરની પાર્ટીનો ઓર્ડર મુજબનો ચણાનો જથ્થો અમદાવાદ પહોંચાડવાને બદલે બારોબાર વેચી મારી છેતરપિંડી કરનારની ધરપકડ માટે ગોંડલ સિટી બી-ડિવિઝન પોલીસે તપાસ શરૂૂ કરી છે.

ગોંડલના રમાનાથ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને યાર્ડમાં ’લેન્ડ માર્ક એગ્રી એક્સપોર્ટ’ નામની પેઢી ધરાવતા મનોજભાઇ મહેન્દ્રભાઇ માખેચાએ નોંધાવેલી ફરિયાદમાં રાજકોટના ’જય ગુરુદેવ ટ્રાન્સપોર્ટ’ ના માલિક નૈમિષભાઇ તેમજ પોરબંદરના કુછીડી ગામના દાના લક્ષ્મણ કોડીયાતર અને એક અજાણ્યા શખ્સ એમ કુલ ત્રણના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. 21/03/2026 ના રોજ તેમની પેઢીને હિંમતનગરની અરમાનીયા એગ્રી ઇન્ડસ્ટ્રીઝનો ઓર્ડર મળ્યો હતો. આ ઓર્ડર મુજબ 12,010 કિલોગ્રામ ચણા (239 કટા) જેની કિંમત રૂૂ. 7,09,825/- થાય છે, તે અમદાવાદના નરોડા ખાતે આવેલા એચ.આર. કોલ્ડ સ્ટોરેજમાં મોકલવાના હતા. આ માલ મોકલવા માટે મનોજભાઇએ રાજકોટના ’જય ગુરુદેવ ટ્રાન્સપોર્ટ’ ના માલિક નૈમિષભાઇનો સંપર્ક કર્યો હતો. ટ્રાન્સપોર્ટરે માલ લઈ જવા માટે ટ્રક નંબર GJ-03-AY-7780 નક્કી કર્યો હતો, પરંતુ હકીકતમાં માલ ભરવા માટે ટ્રક નંબર GJ-37-V-9923અને તેનો ચાલક દાનાભાઈ લક્ષ્મણભાઈ કોડીયાતર આવ્યો હતો. માલ ભરાયા બાદ બીજા દિવસે ડ્રાઇવરે ફોન કરીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા કે રવિવાર હોવાથી કોલ્ડ સ્ટોરેજ બંધ છે, તેથી તે સોમવારે સવારે માલ ખાલી કરશે. જોકે, સોમવારે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે માલ સ્ટોરેજ પર પહોંચ્યો જ ન હોવાનું ખુલ્યું હતું.

ટ્રાન્સપોર્ટર દ્વારા આપવામાં આવેલા ટ્રક નંબર અને સ્થળ પર આવેલા ટ્રક નંબરમાં વિસંગતતા જણાતા વેપારીને છેતરપિંડીની શંકા ગઈ હતી. વેપારી મનોજભાઇએ સુરત અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બે-ત્રણ દિવસ સુધી પોતાના માલની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે તેમણે ગોંડલ સિટી બી-ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમણે ટ્રાન્સપોર્ટર નૈમિષભાઇ અને ટ્રક ચાલક દાનાભાઈ કોડીયાતર વિરુદ્ધ એકાબીજાની મદદગારી કરી, વિશ્વાસઘાત કરી રૂૂ. 7.09 લાખનો માલ બારોબાર વેચી મારવા પોલીસે આ મામલે ગુનો નોંધી ટ્રક અને ચાલકની શોધખોળ હાથ ધરી છે. વેપારીની ફરિયાદના આધારે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડી ની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જો તપાસમાં સાબિત થશે કે માલ બારોબાર વેચી દેવામાં આવ્યો છે, તો આ કેસમાં ચોરીના માલની ખરીદી કરનાર અન્ય વેપારીઓ સામે પણ ગુનો દાખલ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *