અલ્ટિમેટમની મુદ્ત પૂરી થવા પૂર્વે ટ્રમ્પનો નવો ધડાકો : એ રીતે સૈન્ય અભિયાનનો ખર્ચ અમેરિકા વસૂલી લેશે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે એક અત્યંત વિવાદાસ્પદ અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, અમેરિકા હવે ઈરાનના તેલ સંસાધનો પર કબજો કરી શકે છે. એક બિઝનેસમેન તરીકેની પોતાની ઓળખ આપતા તેમણે આ લશ્કરી કાર્યવાહીને આર્થિક નફાના દૃષ્ટિકોણથી મૂલવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના તેલ ભંડારને સુરક્ષિત કરવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, જો તેમની પાસે પસંદગી હોય તો તેઓ ચોક્કસપણે ઈરાનનું તેલ પોતાના કબજામાં લેશે. તેમણે તર્ક આપ્યો હતો કે, હું સૌથી પહેલા એક બિઝનેસમેન છું. જો આ મારા હાથમાં હોત, તો હું તેલને અમેરિકા પાસે રાખવા ઇચ્છત અને તેમાંથી અઢળક પૈસા કમાવવા માટેનું આયોજન કર્યું હોત.
ટ્રમ્પના મતે, યુદ્ધમાં થયેલા ખર્ચની ભરપાઈ કરવા માટે તેલ સંસાધનો પર નિયંત્રણ મેળવવું એ એક વ્યવહારુ રસ્તો છે. તેમણે કહ્યું કે, જીતનારને જ ઈનામ મળે છે. આપણા દેશમાં કદાચ છેલ્લા 100 વર્ષોમાં આવું બન્યું નથી, પરંતુ સૈન્ય અભિયાનની કિંમત વસૂલવા માટે આ જરૂૂરી છે.
ટ્રમ્પના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં હલચલ મચી ગઈ છે. જો અમેરિકા સીધી રીતે ઈરાનના તેલના કુવાઓ પર નિયંત્રણ મેળવે છે, તો તે વિશ્વના ઉર્જા સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખશે. ઇઝરાયલ અને અન્ય ખાડી દેશો પણ આ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
નિવૃત્તિમાં હું વેનેઝુએલામાં ચૂંટણી લડવાનો છું : ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના અનોખા અને આશ્ચર્યજનક નિવેદનો માટે જાણીતા છે, પરંતુ સોમવારે (6 એપ્રિલ) તેમણે જે જાહેરાત કરી તેણે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. ઈરાનમાં ફસાયેલા એરફોર્સ પાયલોટના રેસ્ક્યુ ઓપરેશન અંગે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે અચાનક વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે સંકેત આપ્યો કે, અમેરિકામાં તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમનું આગામી રાજકીય પ્રકરણ દક્ષિણ અમેરિકામાં શરૂૂ થઈ શકે છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, વેનેઝુએલાના લોકો કહે છે કે જો હું ત્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડું, તો મને અત્યાર સુધીના કોઈપણ ઉમેદવાર કરતા સૌથી વધુ વોટ મળી શકે છે. તેથી અહીંથી નિવૃત્ત થયા પછી હું વેનેઝુએલા જઈ શકું છું.રસપ્રદ વાત એ છે કે, જે ટ્રમ્પે ગત મહિને જ લેટિન અમેરિકન નેતાઓની સમિટમાં સ્પેનિશ શીખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેઓ હવે આ પદ માટે ભાષા શીખવા પણ તૈયાર છે. ટ્રમ્પના આ નિવેદનને ઘણા લોકો મજાક ગણી રહ્યા છે, જ્યારે કેટલાક તેને વેનેઝુએલાના તેલ સંસાધનો અને ત્યાં અમેરિકાના વધતા પ્રભાવ સાથે જોડીને જોઈ રહ્યા છે. એક અમેરિકી રાષ્ટ્રપતિ બીજા દેશમાં જઈને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની વાત કરે તે ઈતિહાસમાં અભૂતપૂર્વ ઘટના છે. અમેરિકા પછી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બનવાની તૈયારી વ્યક્ત કરી છે. ભાષા પર તેમની મજબુત પકડ હોવાના દાવા સાથે સ્પેનિશ શીખવા માટે ટ્રમ્પની તૈયારી દર્શાવી છે.
