જૂનાગઢના 23 લાખના ડ્રગ્સના કેસમાં વોન્ટેડ શખ્સ બે વર્ષે મધ્યપ્રદેશથી પકડાયો

ડ્રગ્સ અને નશાના કાળા કારોબાર સામે જૂનાગઢ પોલીસે લાલ આંખ કરી છે. જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને ઇન્ચાર્જ એસપી બી.સી. ઠક્કરની સૂચના હેઠળ ફરાર…

ડ્રગ્સ અને નશાના કાળા કારોબાર સામે જૂનાગઢ પોલીસે લાલ આંખ કરી છે. જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને ઇન્ચાર્જ એસપી બી.સી. ઠક્કરની સૂચના હેઠળ ફરાર આરોપીઓને પકડવા શરૂૂ કરાયેલી ઝૂંબેશમાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને મોટી સફળતા મળી છે. જૂનાગઢ અ ડિવિઝન અને માંગરોળ પોલીસ સ્ટેશનના NDPS એક્ટ હેઠળના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી વોન્ટેડ આરોપી રફીકખાન ઉર્ફે રફીકલાલાને મધ્યપ્રદેશના મન્સોરથી ઝડપી પાડવામાં આવ્યો છે.

જૂનાગઢ અ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં 233.78 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું હતું, જેની કિંમત 23,37,800 રૂૂપિયા હતી. આ ઉપરાંત માંગરોળ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલા ગુનામાં પણ મેફેડ્રોન, ચરસ, ગાંજો અને ઓપીએટ જેવા માદક પદાર્થો મળી આવ્યા હતા.

આ બંને ગુનામાં રાજસ્થાનનો રફીકખાન ઉર્ફે રફીકલાલા અગદરશાહખાન પઠાણ (ઉંમર 41) પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો. એસઓજી પીઆઈ આર.કે.પરમાર અને તેમની ટીમ સતત આ આરોપીના લોકેશન પર નજર રાખી રહી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ શેખવા અને બાલુભાઈ બાલસને સચોટ બાતમી મળી હતી કે આરોપી હાલ મધ્યપ્રદેશના મન્સોર ખાતે છુપાયેલો છે. આ બાતમીના આધારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસઓજીની એક ખાસ ટીમ મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી હતી અને ત્યાંથી રફીકલાલાને દબોચી લઈ જૂનાગઢ લાવવામાં આવ્યો છે. હાલ તેની એ ડિવિઝન પોલીસ મથકે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢ પોલીસે છેલ્લા એક-બે વર્ષમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ આક્રમક અભિગમ અપનાવ્યો છે. શહેર અને જિલ્લામાં અલગ-અલગ દરોડા પાડીને પોલીસે અત્યાર સુધીમાં કરોડો રૂૂપિયાનો નશાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાસ કરીને યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે ડ્રગ્સના સપ્લાયરો અને પેડલરો પર કડક વોચ રાખવામાં આવી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ કનેક્શન ધરાવતા આરોપીઓની ધરપકડથી નશાના નેટવર્કને તોડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

આ ઓપરેશનમાં એસઓજી પીઆઈ આર.કે. પરમાર, પીએસઆઈ એ.એચ. માધવાચાર્ય, એએસઆઈ જીતેન્દ્રસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ શેખવા, બાલુભાઈ બાલસ અને ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ બકોત્રા સહિતના સ્ટાફની મહેનત રંગ લાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *