જિલ્લા કલેકટર તેના પી.એ. અને કલાર્કની તોળાતી ધરપકડ, ઇ.ડી.ની ટીમો દ્વારા સતત બીજા દિવસે તપાસનો ધમધમાટ
દિલ્હી સુધી પહોંચેલી ખંડણીની ફરિયાદના પગલે દરોડાનો દોર, સીબીઆઈ દ્વારા કલેકટર સહિત 4 સામે અલગથી એફઆઈઆર
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ તેમજ કલેકટર કચેરીમા ફરજ બજાવતા તેના વહીવટદાર જેવા નાયબ કલેકટર ચંદ્રસિંહ મોરી, કલેકટરના પી.એ. જયરાજસિંહ ઝાલા તથા કર્લાક મયુર ગોહિલને ત્યા ગઇકાલથી એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ (ઇડી) દ્વારા પાડવામા આવેલા દરોડાનો દોર આજે સતત બીજા દિવસે પણ ચાલુ રહયો છે અને ઇડી દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસ સ્થાનેથી રૂ. 67.50 લાખની રોકડ રકમ કબજે કરી ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી છે અને આજે તેમને 14 દિવસના રીમાન્ડની માંગણી સાથે ઇડી દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ દિલ્હીમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદના પગલે ઈડી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી અને સીબીઆઈ દ્વારા પણ એફઆઈઆર નોંધવામાં આવી છે., તેમાં કલેકટર રાજેન્દ્ર પટેલને સહ આરોપી તરીકે જોડવામાં આવ્યા છે. આવક કરતાં વધુ સંપતિના મામલે કલેકટર સહિત કુલ 4 કર્મચારી અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ ઇડી આજે સાંજ સુધીમા મોટા ધડાકા કરે અને જીલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ, તેના પીએ જયરાજસિંહ ઝાલા અને કારકુન મયુર ગોહિલની પણ ધરપકડ કરે તેવા સંકેતો મળી રહયા છે. બીજી તરફ આ સમગ્ર તપાસ દરમિયાન ભ્રષ્ટાચારનો પણ મામલો સામે આવતા એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટાચારની તપાસમા ઝુકાવ્યુ છે. જયારે ઇડી દ્વારા મની લોન્ડરીંગ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો છે.
ગઇકાલે વહેલી સવારથી ઇડી દ્વારા સુરેન્દ્રનગર કલેકટર રાજેન્દ્ર પટેલ ઉપરાંત તેના વહીવટદાર જેવા નાયબ મામલતદાર, પીએ અને કારકુનને ત્યા કરવામા આવેલી તપાસ દરમ્યાન જીલ્લા કલેકટરના નિવાસ સ્થાન તથા નાયબ મામલતદાર મોરીના નિવાસ સ્થાનમાંથી મોટાપાયે જમીનનું રેકર્ડ કબજે કરવામા આવ્યુ છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં પાટડી સહીતના વિસ્તારોમા અંદાજે રૂ. 1500 કરોડની જમીન છુટી કરવા અથવા ફાળવણીના કેસોમા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની સચોટ ફરીયાદનાં આધારે ઇડી દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી. જે આજે પણ ચાલુ રહી છે.
તપાસ દરમ્યાન સૌથી વધુ ફોકસ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસ સ્થાન ઉપર રહયુ હતુ. મોરીના નિવાસેથી રૂ. 67.50 લાખની રોકડ રકમ મળી આવતા તેની તાત્કાલીક ધરપકડ કરી લેવામા આવી છે. જયારે કલેકટરનાં નિવાસ સ્થાનેથી પણ જમીનની ઘણી ફાઇલો ઉપરાંત મિલકતોમા કરોડોના રોકાણના દસ્તાવેજો પણ કબજે કરાયા હોવાનું જાણવા મળે છે. આ સિવાય ભ્રષ્ટાચારની ચેનલમા કાર્યરત કલેકટરના પીએ જયરાજસિંહ ઝાલા તેમજ કારકુન મયુર ગોહિલની પણ ગમે ત્યારે ધરપકડ કરવામા આવે તેવી શકયતા જોવા મળી રહી છે.
એક રાજકીય નેતાએ પરદા પાછળ રહી ખેલ પાડી દીધાની ચર્ચા
આગામી એક-બે દિવસમા ઇડી દ્વારા સમગ્ર પ્રકરણમા મોટાપાયે ધડાકા કરવામા આવે તેવી શકયતા જાણકાર વર્તુળો દ્વારા વ્યકત કરવામા આવી રહી છે. ત્યારે એક એવી પણ ચર્ચા બહાર આવી છે કે સુરેન્દ્રનગર જીલ્લામા દબદબો ધરાવતા એક રાજકીય નેતા અને કલેકટર કચેરી વચ્ચે કોઇ કારણોસર મોટો વિવાદ સર્જાતા આ રાજકીય નેતાએ જ પરદા પાછળ રહી કલેકટર કચેરી દ્વારા આચરવામા આવતા ભ્રષ્ટાચારનો ખેલ પાડી દીધો છે. આગામી દિવસોમા આ પ્રકરણ આગળ વધે છે કે પછી ‘સેટલમેન્ટ’ થઇ જાય છે તે તરફ સૌથી નજર મંડાયેલી છે.
