હળવદમાં ભાણેજની છેડતીનો વિરોધ કરતા મામાની હત્યા

ત્રણ મહિલા સહિત છ શખ્સો ધોકા પાઇપ લઇ તૂટી પડયા, વચ્ચે પડેલી પત્નીને પણ ઇજા હળવદ શહેરના બસ સ્ટેન્ડ નજીક રહેતા અને સેન્ટિંગ કામ તેમજ…

ત્રણ મહિલા સહિત છ શખ્સો ધોકા પાઇપ લઇ તૂટી પડયા, વચ્ચે પડેલી પત્નીને પણ ઇજા

હળવદ શહેરના બસ સ્ટેન્ડ નજીક રહેતા અને સેન્ટિંગ કામ તેમજ પાન-ફાકીની નાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 44 વર્ષીય કાળુભાઈ મોહનભાઈ પરમાર નામના આધેડની કરપીણ હત્યા થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ ઘટનામાં હળવદ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.આ ઘટનાની વિગત એવી છે કે, કાળુભાઈની દુકાન પાસે તેમની સગીર ભાણેજનો હાથ આરોપી નટવરના ભાઈના દીકરા વિશાલ શૈલેષ પરમારે પકડી લેતા મામલો ગરમાયો હતો. આ છેડતી જેવી ઘટનાનો કાળુભાઈએ વિરોધ કરતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને કાળુભાઈએ આ મામલે ફરિયાદ પણ કરી હતી. જે તે સમયે આરોપી નટવરે ’હાલ મારા ઘરે પ્રસંગ છે, તે પૂરો થઈ જવા દે’ તેમ કહીને કાળુભાઈને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી.

ઘરનો સામાજિક પ્રસંગ પૂર્ણ થતાની સાથે જ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂૂપે આરોપી નટવર નાનજીભાઈ પરમાર, આશિષ નટવરભાઈ, દિપક નટવર, હંસાબેન નટવર, લતાબેન નટવરભાઈ અને રવિ નટવરભાઈ સહિતના શખ્સોએ ટોળું વળીને કાળુભાઈ પર હુમલો કરી દીધો હતો. આ આરોપીઓએ ધોકા અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો વડે કાળુભાઈને આડેધડ માર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ હુમલામાં કાળુભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના પત્ની રતનબેનને પણ ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત કાળુભાઈને તાત્કાલિક હળવદની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું ટૂંકી માંદગી બાદ મોત નીપજતા આ બનાવ હત્યામાં પલટાયો છે.

મૃતક કાળુભાઈના પરિવાર વિશે જાણીએ તો, તેઓ છ ભાઈઓ અને ત્રણ બહેનોના પરિવારમાં સૌથી નાના હતા. તેમને સંતાનમાં બે દીકરા અને પાંચ દીકરીઓ છે, જેમના માથા પરથી પિતાનું છત્ર છીનવાઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. કાળુભાઈ મહેનત-મજૂરી કરીને અને ઘર પાસે નાની દુકાન ચલાવીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. એક સામાન્ય બોલાચાલી અને છેડતીનો વિરોધ કરવા બદલ એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, જેને પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયેલા પરિવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી તમામ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. પરિવારની માગ છે કે આરોપીઓને કડકમાં કડક સજા થાય. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો પણ હોસ્પિટલ દોડી ગયો હતો અને પરિવારને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કાળુંભાઈ, પત્ની રતનબેન સહિત ત્રણે પથ્થરમારો કરી બાઇક સળગાવ્યું હોવાની સામાંપક્ષની ફરિયાદ
જ્યારે સામાંપક્ષે નટવરભાઈ નાનજીભાઈ પરમાર જ્યારે તેમના મોટર સાયકલ પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપી જયેશ કાળુભાઈ પરમાર અને તેના પિતા કાળુભાઈ મોહનભાઈએ જાહેર રસ્તા પર પથ્થરમારો શરૂૂ કર્યો હતો.આ હુમલા દરમિયાન આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જયેશે ધોકા વડે ફરિયાદીના માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી, જેના કારણે તેમને ચાર ટાંકા આવ્યા હતા અને આંગળીમાં ફ્રેક્ચર થયું હતું.હુમલાખોરોએ હિંસા આચરી ફરિયાદીનું મોટર સાયકલ કોઈ જ્વલનશીલ કેમિકલ છાંટીને સળગાવી દીધું હતું, જેનાથી અંદાજે 8,000નું નુકસાન થયું છે. આ મામલે હળવદ પોલીસે જયેશ પરમાર, કાળુભાઈ પરમાર અને રતનબેન પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *