જેતપુર શહેરના ખીરસરા રોડ પર આવેલ ભાદર નદીના નાળપાટ ચેકડેમ ખાતે આજે એક અત્યંત અરેરાટીભરી અને કરૂૂણ ઘટના સામે આવી છે. મિત્રો સાથે નદીમાં નહાવા પડેલા બે આશાસ્પદ યુવાનો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જવાથી બંનેના મોત નિપજ્યા છે. આ બનાવની જાણ થતાં જ સમગ્ર જેતપુર શહેર અને સામાકાંઠા વિસ્તારમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.
બનાવની વિગત અનુસાર, શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા વસીમ હુસેનભાઈ પરમાર (ઉંમર વર્ષ 20) અને કાદિર અમીનભાઈ દોઢિયા (ઉંમર વર્ષ 17) નામના બે યુવાનો પોતાના પાંચથી છ મિત્રોના જૂથ સાથે ખીરસરા રોડ પર સ્થિત ભાદર નદીના નાળપાટ ચેકડેમ ખાતે નહાવા માટે ગયા હતા. નહાતી વખતે અચાનક જ વસીમ અને કાદિર ઊંડા પાણીના તીવ્ર વહેણમાં ખેંચાવા લાગ્યા હતા. બંને મિત્રોને પાણીમાં ડૂબતા જોઈને સાથે આવેલા અન્ય મિત્રોએ તેમને બચાવવા માટે ભારે ચીસાચીસ કરી મથામણ કરી હતી.
પરંતુ પાણી અતિશય ઊંડું હોવાના કારણે તેઓ બંનેને બહાર કાઢવામાં નિષ્ફળ રહ્યા હતા અને જોતજોતામાં બંને યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતાં જ નગરપાલિકાનો ફાયર ફાઈટર કાફલો તેમજ સ્થાનિક અનુભવી તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના સ્ટાફ અને તરવૈયાઓએ પાણીમાં ઉતરીને ભારે શોધોખોળ હાથ ધરી હતી. કલાકોની આકરી જહમત બાદ બંને યુવાનોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે હાજર 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના તબીબી સ્ટાફે બંને યુવાનોને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ખીરસરા રોડ પર આવેલ આ નાળપાટ ચેકડેમમાં અગાઉ પણ દર વર્ષે પાણીમાં ડૂબી જવાથી જાનહાનિના બનાવો બનતા રહે છે. સ્થાપિત તંત્ર અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા વારંવાર ચેતવણી તથા સૂચનાઓ આપવા છતાં અને આ વિસ્તાર જોખમી હોવા છતાં યુવાનો અવારનવાર નહાવા માટે અહીં આવતા હોય છે, જેના પરિણામે આવી ગંભીર અને કાળજું કંપાવી દે તેવી હોનારતો સર્જાતી રહે છે.
