ગોંડલના ડૈયા ગામે તળાવ કિનારે પગ લપસતા યુવાનનું ડૂબી જવાથી મોત

ગોંડલ તાલુકાના ડૈયા ગામમાં તળાવ કિનારે પગ લપસી જતાં 18 વર્ષીય યુવક જતીનભાઈ રમેશભાઈ રાઠોડનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના 30 જુલાઈ…

ગોંડલ તાલુકાના ડૈયા ગામમાં તળાવ કિનારે પગ લપસી જતાં 18 વર્ષીય યુવક જતીનભાઈ રમેશભાઈ રાઠોડનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના 30 જુલાઈ 2026ના રોજ સાંજે પાંચ વાગ્યાના સુમારે બની હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, જતીન તેના મિત્રો સાથે ગામના તળાવના પુલ પર બેઠો હતો. તે મિત્રોને બાથરૂૂમ જઈને આવું છું તેમ કહીને તળાવ તરફ ગયો હતો. તળાવ કિનારે પહોંચતા જ અચાનક તેનો પગ લપસી ગયો અને તે ઊંડા પાણીમાં ખાબક્યો.

પાણીમાં પડવાનો જોરદાર અવાજ સાંભળીને પુલ પર બેઠેલા મિત્રો તરત જ દોડી ગયા હતા, પરંતુ જતીન દેખાયો નહીં. તેમણે બૂમાબૂમ કરતાં આસપાસના ગ્રામજનો અને જતીનનો પરિવાર તાત્કાલિક તળાવ કિનારે પહોંચી ગયો હતો.

ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા, ફાયર ફાઈટરો અને તરવૈયાઓની ટીમ તાત્કાલિક ડૈયા ગામે પહોંચી હતી. તરવૈયાઓએ તળાવમાં શોધખોળ શરૂૂ કરી અને લગભગ 20 મિનિટમાં જ જતીનના મૃતદેહને શોધી કાઢ્યો હતો.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગોંડલ તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક જતીન રાઠોડ બીલીયાળા ખાતેના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો. તેના પરિવારમાં માતા-પિતા અને એક નાની બહેન છે. પરિવારના એકમાત્ર પુત્રના અકાળે અવસાનથી રાઠોડ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *