શેરબજારમાં રોકાણના હેતુસર વિદેશમાં રહેતા વૃદ્ધને અમદાવાદની એક મહિલાએ ઊંચા વળતરની લાલચ આપી મોટી રકમનું રોકાણ કરાવ્યા બાદ નિયત મુદતે નાણાં પરત ન આપી રૂૂ. 4.72 કરોડની છેતરપિંડી આચરી હતી. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે મહિલા સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિદેશમાં રહી ક્ધસ્ટ્રક્શનનો વ્યવસાય કરતા 75 વર્ષીય કૌશિકભાઈ મનુભાઈ પટેલે અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી નિકિતા વિશાલકુમાર વ્યાસ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત મે-જુલાઈ 2025 દરમિયાન નિકિતા વ્યાસે તેઓના ઘરે આવીને પોતે’ HET WEALTH CREATION GROUP’ નામનું પ્લેટફોર્મ ચલાવતી હોવાનું જણાવ્યું હતું. તેણે રોકાણકારોના નાણાં ક્ધવર્ટ કરી આપી મોટો નફો આપવાની લોભામણી યોજનાઓ રજૂ કરી હતી તથા વોટ્સએપ ગ્રુપમાં ઉમેરીને નફાના સ્ક્રીનશોટ દર્શાવી વિશ્વાસ કેળવ્યો હતો.
આ લોભામણી સ્કીમમાં આવીને કૌશિકભાઈ તથા તેમના પત્નીએ અલગ-અલગ સ્કીમમાં કુલ રૂૂ. 1,08,00,000 નું રોકાણ કર્યું હતું. ત્યારબાદ મહિલાએ વિવિધ સ્કીમોના બહાને તેમના સગા-સંબંધીઓ અને મિત્રો સહિત 20 જેટલા રોકાણકારો પાસેથી આશરે રૂૂ. 4.72 કરોડથી વધુ રકમનું રોકાણ કરાવ્યું હતું. રોકાણની મુદત પૂરી થતાં જ્યારે રોકાણકારોએ પોતાના નાણાં કે વળતર પરત માગ્યું, ત્યારે મહિલાએ આડાઅવળા જવાબો આપવાનું શરૂૂ કર્યું હતું અને ક્રિપ્ટો કોઈન ડાઉન થઈ ગયાનું બહાનું બતાવી પોતાના ફોન બંધ કરી દીધા હતા.
