રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલ તાલુકાના ગોમટા ગામેથી ગુમ થયેલી બે સગીર બાળકીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ કામગીરીમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી.
ગત 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ ગોંડલ તાલુકાના ગોમટા ગામેથી આશરે 12 વર્ષ અને 4 વર્ષની બે બાળકીઓ ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. વાલીઓએ શોધખોળ કર્યા બાદ બાળકીઓ ન મળતા પોલીસનો સંપર્ક કર્યો હતો. ગોંડલ તાલુકા પોલીસ મથકે બીએનએસ (ઇગજ) ની કલમ 137(2) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂૂ કરવામાં આવી હતી.
બાળકીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જ આઈ.જી.પી. અશોક કુમાર યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી. અને ગોંડલ તાલુકા પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ ટીમોએ ગોમટા ગામ અને આસપાસના વિસ્તારો, હોટલો, ગેસ્ટ હાઉસ અને પેટ્રોલ પંપના ઈઈઝટ ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં બાળકીઓ ગોમટાથી વીરપુર રેલ્વે સ્ટેશન સુધી ચાલીને જતી અને ત્યાંથી ટ્રેન મારફતે રાજકોટ તરફ જતી હોવાનું જણાયું હતું.
વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાળકીઓ રાજકોટથી ઓખા તરફ જતી ટ્રેનમાં બેઠી છે. આ માહિતી મળતા જ દ્વારકા, જામનગર અને જૂનાગઢ રેલ્વે પોલીસને સતર્ક કરવામાં આવી હતી. અંતે, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી બંને બાળકીઓને દ્વારકા રેલ્વે સ્ટેશન ખાતેથી સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી હતી.
આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. વી.વી. ઓડેદરા, એસ.ઓ.જી. પી.આઈ. એફ.એ. પારઘી અને ગોંડલ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ. ડોડીયા સહિતના સ્ટાફ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સનો મહત્વનો ફાળો રહ્યો હતો. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી ગુમ થયેલી બાળકીઓ સુરક્ષિત રીતે મળી આવી હતી.
