રાજુ કરપડાએ આપના ત્રણ નેતાઓ સામે નોંધાવી ફરિયાદ

ઓડિયો ક્લિપમાં ટેક્નિકલ છેડછાડ કરી છબી ખરડવાનો પ્રયાસ કર્યાનો આરોપ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ પક્ષના ત્રણ સક્રિય નેતાઓ વિરુદ્ધ રવિવાર, 15 ફેબ્રુઆરી…

ઓડિયો ક્લિપમાં ટેક્નિકલ છેડછાડ કરી છબી ખરડવાનો પ્રયાસ કર્યાનો આરોપ

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ પક્ષના ત્રણ સક્રિય નેતાઓ વિરુદ્ધ રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ના રોજ સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ (FIR) નોંધાવી છે. રાજુ કરપડાના રાજીનામા બાદ શનિવારે ’આપ’ નેતાઓએ એક ઓડિયો ક્લિપ વાયરલ કરી દાવો કર્યો હતો કે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સંપર્કમાં છે. આ મામલે કરપડાએ આરોપ લગાવ્યો છે કે આ ઓડિયો ટેકનિકલ છેડછાડ કરીને બનાવવામાં આવ્યો છે અથવા તો તે અઈં જનરેટેડ છે. પોતાની છબી ખરડવાના પ્રયાસ બદલ તેમણે કરણ બારોટ, સ્વયમ સાલવી અને વિપુલ ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ મીડિયા સમક્ષ ’આપ’ ના પ્રદેશ નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે તેઓ જ્યારે જેલમાં હતા ત્યારે ગોપાલ ઈટાલિયા કે મનોજ સોરઠીયા તેમને મળવા પણ આવ્યા નહોતા. કરપડાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, “આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ નથી, પરંતુ ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા ચોક્કસપણે ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે.” તેમણે ઉમેર્યું કે ચૈતર વસાવા અને ઈસુદાન ગઢવી જેવા નેતાઓ પક્ષ માટે સનિષ્ઠ છે, પરંતુ અમુક નેતાઓ તેમને પછાડી દેવાના પ્રયત્નો કરી રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જે ઓડિયો ક્લિપ જાહેર કરી હતી, તેમાં કથિત રીતે રાજુ કરપડા જેલવાસ બાદની રણનીતિ અને ભાજપ સાથેના જોડાણ અંગે ચર્ચા કરી રહ્યા હોય તેવું સંભળાય છે. ’આપ’ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે કરપડાનું ભાજપમાં જવાનું પહેલેથી જ નક્કી હતું અને તેઓ પક્ષની છબી ખરાબ કરવાના મિશન પર હતા. જોકે, રાજુ કરપડાએ આ ક્લિપને નકલી ગણાવી સાયબર નિષ્ણાતો દ્વારા તપાસ કરવાની માંગ કરી છે. આ ઘટનાને પગલે સુરેન્દ્રનગર અને બોટાદ પંથકની સ્થાનિક રાજનીતિમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે.

આ સમગ્ર વિવાદના મૂળ 12 ઓક્ટોબર 2025 ના રોજ બોટાદના હડદડ ગામમાં યોજાયેલી ખેડૂત મહા પંચાયતમાં રહેલા છે. મંજૂરી વિના આયોજનના આક્ષેપ સાથે પોલીસે હસ્તક્ષેપ કરતા ઘર્ષણ થયું હતું અને 85 લોકો સામે કેસ નોંધાયો હતો. આ મુદ્દે ન્યાય માંગવા માટે ઉપવાસ પર ઉતરતા પહેલા જ 16 ઓક્ટોબર 2025 ના રોજ રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી હતી. જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ, 11 ફેબ્રુઆરીના રોજ તેમણે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા આ આંતરિક કલહ સપાટી પર આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *