પાર્કિંગની ફીમાં વધારો થતાં એજન્સીઓએ હાથ ઉંચા કરી લેતા અનેક પાર્કિંગો પર આવારા તત્વોનો કબજો
શહેરમાં આડેથડ થતા પાર્કિંગના કારણે વકરતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સ્થળોએ પે એન્ડ પાર્કિંગની વ્યવાસ્થા ઉભી કરી છે. તાજેતરમાં નવી પાર્કિંગ પોલીસીમાં વાહન પાર્કિંગની ફીમાં વધારો થતા લોકો પે એન્ડ પાર્કિંગમાં વાહન રાખવાનુ ટાળી રહ્યા છે. જેના લીધે કોન્ટ્રાક્ટરોને નુકસાની થતી હોય તાજેતરમાં 29 પે એન્ડ પાર્કિંગ માટે મનપાએ અનેક વખત ટેન્ડર પ્રક્રિયા કરી છતા આજ સુધી એક પણ એજન્સીએ ટેન્ડર ન ભરતા રેઢા પડેલા પાર્કિંગ ઉપર આવારા તત્વોએ કબજો જમાવી મનફાવે તેમ ઉઘરાણા શરૂ કરી દેતા આ બાબતની ફરિયાદ મ્યુનિ.કમિશનર સુધી પહોંચી હોવાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકા દ્વારા મુખ્ય બજારો તેમજ અન્ય રાજમાર્ગો ઉપર આવેલ 29 પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવા અનેક વખત ટેન્ડર પ્રક્રિયા કરી છતા આજસુધી કોઇ એજન્સીએ ટેન્ડર ભરેલ નથી. અમૂક પે એન્ડ પાર્કિંગમાં જૂનો કોન્ટ્રાક્ટ પુરો થઇ ગયા બાદ એજન્સીના માણસોએ પાર્કિંગ ખુલી મુકી દીધાનું જાણવા મળેલ છે. નવી એજન્સી ન આવે ત્યા સધુી જૂની એજન્સી દ્વારા કામ ચાલુ રાખવાનો નિયમ અમલમાં છે. છતા માણસોના પગાર નીકળતા ન હોય અમુક પાર્કિંગ ખાલી થઇ જતા કોન્ટ્રાક્ટરે ઉચાળા ભરી લેતા આવા પાર્કિંગનો કબજો આવારા તત્વોએ લઇ વાહન ચાલકો પાસેથી ઉઘરાણા ચાલુ કર્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
મહાનગરપાલિકા દ્વારા ટ્રાફીક સમસ્યાનાં નિવારણ માટે મુખ્ય માર્ગો પર પે એન્ડ પાર્કીંગ વ્યવસ્થા શરુ કરવામા આવી છે . શહેરમા અંદાજે 100 થી વધુ સ્થળે પે એન્ડ પાર્કીંગ સુવીધા ઉપલબ્ધ છે. પરંતુ સરકારની નવી પોલીસીમા પાર્કીંગ ચાર્જમા કમરતોડ વધારો થતા લોકો વધુ પૈસા ખર્ચી પોતાનુ વાહન પે એન્ડ પાર્કીંગમા પાર્ક કરવાનુ ટાળી રહયા હોય કોન્ટ્રાકટ રાખનાર એજન્સીને વાહનો ન આવતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેનાં લીધે 29 પે એન્ડ પાર્કિંગનુ 3-3 વખત ટેન્ડર કરવા છતા નવી પોલીસીનાં લીધે કોઇ કોન્ટ્રાકટરે ટેન્ડર ન ભરા તંત્રને 29 પે એન્ડ પાર્કીંગ બંધ કરવા પડે તેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે.
શહેરમા મહાનગર પાલિકા દ્વારા પે એન્ડ પાર્કિંગ સુવીધા ઉભી કરતા ખાસ કરીને મુખ્ય બજારોમા દુકાનો ધરાવતા વેપારીઓની મુશ્કેલીનો અંત આવ્યો હતો. પરંતુ થોડા સમયમા જ પાર્કિંગનો કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાકટરો દ્વારા ઉઘાડી લુંટ ચલાવવાનુ શરુ કરાતા લોકોમા દેકારો બોલી ગયેલ. જેનાં લીધે સરકાર દ્વારા નવી પાર્કિંગ પોલીસી જાહેર કરેલ.
જેની અમલવારી મહાનગર પાલિકાએ શરુ કર્યા બાદ પે એન્ડ પાર્કીંગનાં ટેન્ડરમા મોટા ફેરફારો કરવામા આવેલ અને સાથો સાથ ટુ વ્હીલરથી લઇને હેવી વાહનો સહીતનાં વાહનો પાર્ક કરવા માટે 1 કલાકથી લઇ 1 માસ સુધીનાં ચાર્જમા પણ વધારો ઝીકવામા આવ્યો હતો અને મનપાએ નવા નિયમ મુજબ જે વિસ્તારોમા પે એન્ડ પાર્કીંગની મુદત પુર્ણ થઇ હોય તેનાં ટેન્ડર પ્રસિધ્ધ કરેલ. જેની સામે પે એન્ડ પાર્કીંગનાં ચાર્જમા વધારો થતા લોકોએ વધુ પૈસા આપીને વાહનો પાર્ક કરવાનુ ટાળ્યુ હોય તેમ પે એન્ડ પાર્કીંગમા દીવસે ને દીવસે વાહનોની સંખ્યામા ઘટાડો થતા કોન્ટ્રાકટરોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને હવે પછી કોન્ટ્રાકટ ન લેવો તેવુ અમુક કોન્ટ્રાકટરે નકકી કરી લેતા ર9 પે એન્ડ પાર્કીંગ માટે મહાનગરપાલિકાએ સતત ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છતા આ પાર્કિંગ માટે કોઇ કોન્ટ્રાક્ટર ન આવતા હાલ ધણી ધોરી વગરના પાર્કિંગમાંથી ગેરકાયદેસર ઉઘરાણા થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
આ ભાવ વાહનો ચાલકોને પરવડતા નથી
દ્વિચક્રીય વાહનો રૂ. 5 થી રૂ. 25
ત્રિચક્રીય વાહનો રૂ. 10 થી રૂ. 30
મોટર કાર રૂ. 20 થી રૂ. 80
એલસીવી રૂ. 20 થી રૂ. 100
હેવી વાહનો રૂ. 40 થી રૂ. 120
દ્વિચક્રીય વાહનો માસિક રૂ.350
ફોર વ્હીલ અને કોર્મશીયલ વાહનો માસીક રૂ. 600
હેવી વાહનો બસ, ટ્રેકટર માસીક રૂ.1200
