શાપર-વેરાવળના પડવલાની કંપનીમાં ગડર તૂટી માથે પડતા માલિકના પુત્ર સહિત બેના મોત

એક યુવાનની હાલત ગંભીર, મૃતક હેત સોજીત્રા પરિવારનો એકનો એક પુત્ર હતો રાજકોટ નજીક શાપર-વેરાવળના પડવલા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રવિવારે સાંજે રોકેટ સ્ટીલ કંપનીમાં ગંભીર અકસ્માત…

એક યુવાનની હાલત ગંભીર, મૃતક હેત સોજીત્રા પરિવારનો એકનો એક પુત્ર હતો

રાજકોટ નજીક શાપર-વેરાવળના પડવલા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રવિવારે સાંજે રોકેટ સ્ટીલ કંપનીમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ક્રેનનો પટ્ટો તૂટી જતાં લોખંડનું ગડર પડવાથી કારખાના માલિકના પુત્ર સહિત બે વ્યક્તિના મોત થયા છે, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, રવિવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ રોકેટ સ્ટીલ કંપનીમાં ક્રેન દ્વારા ભારે લોખંડનો સામાન નીચે ઉતારવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ક્રેનના પટ્ટા તૂટી ગયા હતા. ક્રેનમાં લટકાવેલું વિશાળ લોખંડનું ગડર નીચે કામ કરી રહેલા ત્રણ વ્યક્તિઓ પર પડ્યું હતું, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

સ્થાનિક લોકો અને અન્ય કામદારોએ ભારે જહેમત બાદ ત્રણેયને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

જોકે, હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ બે વ્યક્તિઓને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં કારખાનાના માલિક મનીષ સોજીત્રાના પુત્ર હેત મનીષ સોજીત્રા અને શ્રમિક મોહમદ ઓરંગઝેબનો સમાવેશ થાય છે. કેલ્વિન અરવિંદ વેકરિયા નામનો યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

મૃતક હેત સોજીત્રા તેના મા-બાપનો એકમાત્ર પુત્ર હતો. તે છેલ્લા ત્રણ વર્ષથી કારખાનાની કામગીરીનું નિરીક્ષણ કરતો હતો અને પિતાને વ્યવસાયમાં મદદ કરતો હતો. હેતના અવસાનથી સોજીત્રા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

તેના પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *